Rahul Gandhi London trip: સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી ચાલી રહી છે, તેવા સમયે જ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાહુલ ગાંધી સોમવારે વહેલી સવારે દિલ્હીના IGI એરપોર્ટ પરથી લંડન માટે રવાના થયા હતા. તેમણે સવારે લગભગ 3 વાગ્યેને 20 મિનિટે ફ્લાઇટ નંબર BA 142 માં ઉડાન ભરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમનો આ પ્રવાસ લંડન સુધી જ સીમિત નથી, પરંતુ તેઓ ત્યાંથી જર્મની પણ જવાના છે.
આ પ્રવાસ એવા સમયે યોજાયો છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. 1 ડિસેમ્બરના રોજ શરૂ થયેલું આ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ 15 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારથી બંને ગૃહોની કાર્યવાહી ફરી શરૂ થશે, જ્યાં સરકારનું ધ્યાન બાકી રહેલા વિધેયકોને પસાર કરાવવા પર રહેશે.
નોંધનીય છે કે આ શિયાળુ સત્ર અત્યાર સુધી ઘણું તોફાની રહ્યું છે. ખાસ કરીને 'વંદે માતરમ્' પરની ચર્ચા, મતદાર યાદીમાં સુધારા માટેના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) અને ચૂંટણી સુધારા જેવા મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચાઓ અને હોબાળો જોવા મળ્યો છે. આવા સંવેદનશીલ સમયે વિપક્ષના નેતાની ગેરહાજરી અનેક રાજકીય ચર્ચાઓને જન્મ આપી શકે છે.