Rahul Gandhi Gujarat Plan: ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તા પર પરત નથી આવી શકી. આવી સ્થિતિમાં હવે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની કમાન સંભાળી છે. તાજેતરમાં સંસદમાં તેમણે જાહેરાત કરી હતી કે, ગુજરાત પર ફોકસ કરીને જ પાર્ટીને મજબૂત કરીશું.
આગામી દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાતની દરેક વિધાનસભા બેઠકમાં 1થી 2 દિવસ રોકાશે. મહિને 2થી 3 વખત રાજ્યની મુલાકાત લેશે. જૂનાગઢમાં ચાલી રહેલી 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં તેમણે જિલ્લા અને મહાનગર પ્રમુખોને સંબોધિત કર્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, 18 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભા બેઠકવાર પ્રોગ્રામ તૈયાર થઈ જશે.
આ પ્રવાસમાં હોટલની જગ્યાએ તાલુકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોના ઘરે જમશે અને રોકાશે. દરરોજ તાલુકા-જિલ્લા પંચાયતના જીતેલા-હારેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરીને બેઠકની તાકાત વધારશે. 2027 સુધીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાની યોજના છે.
AICCના માર્ગદર્શન હેઠળ આ પ્રશિક્ષણ શિબિરો ચાલી રહી છે, જેમાં સંગઠનમાં જડથી ફેરફાર થઈ રહ્યા છે. રાહુલ ગાંધીની આ રણનીતિથી ભાજપમાં અસ્વસ્થા વધી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, આ પ્લાનથી કોંગ્રેસને કેટલી સફળતા મળશે.