Saudi Arabia Artificial Intelligence: સઉદી અરેબિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોટું પગલું ભરી રહ્યું છે. દેશે 1 લાખ નાગરિકોને AI અને ડેટા સ્કિલ્સમાં નિષ્ણાત બનાવવાનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. સઉદીના સંચાર અને સૂચના ટેકનોલોજી મંત્રાલય (MCIT) દ્વારા શરૂ કરાયેલ આ કાર્યક્રમ દેશને AIમાં વૈશ્વિક નેતૃત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યો છે. આ પહેલ વિઝન 2030ના લક્ષ્યોને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ અભિયાન સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ઇન્કોર્ટાના સહયોગથી ચાલી રહ્યું છે, જે આ પ્રકારનું અત્યાર સુધીનું સૌથી મોટું તાલીમ અભિયાન છે. સઉદી ડેટા એન્ડ AI ઓથોરિટી (SDAIA) શિક્ષણ મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયના સહકારથી 10 લાખ સઉદી નાગરિકોને AIમાં તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે.
MCITએ ‘મુસ્તકબલી’ નામનો એક વધારાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે, જે 50000 યુવાનોને AI કૌશલ્યો શીખવશે. ઇન્કોર્ટાના CEO ઓસામા અલ-કાદીએ જણાવ્યું કે આ પહેલ યુવાનો અને મહિલાઓને ભવિષ્યની તકો માટે તૈયાર કરશે. તેમણે કહ્યું, “અમારું ધ્યેય ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતોને આગળ વધારીને નવી પેઢીને AIના વ્યવહારિક ઉપયોગો શીખવવાનું છે, જેથી તેઓ ડેટા-આધારિત નિર્ણયો લઈ શકે.”
MCITના ક્ષમતા નિર્માણ વિભાગના ઉપમંત્રી સફા અલ-રાશિદે જણાવ્યું, “આ કાર્યક્રમ સઉદી અરેબિયાની સમાવેશી વિકાસ પ્રતિબદ્ધતા દર્શાવે છે. યુવાનો અને મહિલાઓને AI કૌશલ્યોથી સજ્જ કરવાથી દેશનું કાર્યબળ મજબૂત થશે અને વૈશ્વિક AI નેતૃત્વની સ્થિતિ મજબૂત થશે.”