Artificial Intelligence Electricity Crisis: ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી વીજળી ખપત અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમણે X પરની એક પોસ્ટમાં જણાવ્યું કે AI મોડેલ્સની વીજળીની ખપત એટલી વધારે છે કે તે વીજળીના બિલમાં મોટો વધારો કરી રહી છે અને ઇલેક્ટ્રિક ગ્રિડ પર અસહ્ય દબાણ લાવી રહી છે. તેમનું કહેવું છે કે આ એક આવનારું સંકટ છે, જેને હળવાશથી ન લેવું જોઈએ.
AI ડેટા સેન્ટરથી વીજળીની કિંમતોમાં વધારો
વેમ્બુએ અમેરિકાના એથેન્સ, જ્યોર્જિયાનું ઉદાહરણ આપ્યું, જ્યાં 2023થી અત્યાર સુધી વીજળીની કિંમતો 60% વધી ગઈ છે. આનું મુખ્ય કારણ ત્યાંના AI ડેટા સેન્ટરો છે. તેમણે લખ્યું, “આપણે ભલે ગમે તેટલા GPUs ખરીદી લઈએ, પરંતુ વીજળીનું બિલ ચૂકવવું અશક્ય બનશે. આપણે ઘરો અને ફેક્ટરીઓને નુકસાન ન પહોંચાડી શકીએ.” ભારતમાં પણ આ સમસ્યા ઝડપથી વધી રહી છે, જ્યાં ડેટા સેન્ટરની ક્ષમતા 2024માં 1.2 ગીગાવોટ હતી, જે 2030 સુધીમાં 5 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. આનાથી AIની વીજળી ખપત 40-50 ટેરાવોટ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે ભારતના પાવર સિસ્ટમ માટે ગંભીર ખતરો છે.
શ્રીધર વેમ્બુએ સૂચવ્યું છે કે ભારતે ઓછી વીજળી ખપત કરતાં AI મોડેલ્સ વિકસાવવા જોઈએ. હાલના AI મોડેલ્સ ખૂબ જ વધુ ઊર્જા વાપરે છે, જે લાંબા ગાળે ટકાઉ નથી. આ સાથે, સોલાર અને વિન્ડ એનર્જીમાં રોકાણ વધારવું જોઈએ. ડેટા સેન્ટરોને એવી જગ્યાએ સ્થાપિત કરવા જોઈએ જ્યાં વીજળીનો પુરવઠો પર્યાપ્ત હોય અને સ્થાનિક લોકો પર બોજ ન પડે.
આ ચેતવણી એક રીમાઇન્ડર છે કે AIના ફાયદા સાથે તેના જોખમોને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભારતે હવે આ દિશામાં ઝડપથી પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં વીજળી સંકટ ટળી શકે.