દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા વિસ્તારમાં અચાનક જમીન ધસી પડી અને ઊંડો ખાડો પડી ગયો. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક એન્જિનિયરે કહ્યું હતું કે આ ખાડો ઉંદરોના કારણે થયો હતો. જો કે હવે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યો છે અને આ કર્મચારીને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ માહિતી KCC બિલ્ડકોન કંપની દ્વારા આપવામાં આવી છે.
કંપનીએ આ અંગે NHAIને પત્ર લખીને સમગ્ર મામલાની માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે જે અધિકારીએ દાવો કર્યો હતો કે ઉંદરોને કારણે હાઈવે પર ખાડા પડી ગયા છે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેણે પોતાને મેન્ટેનન્સ મેનેજર ગણાવ્યો.
કંપનીએ તેના પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તે મેન્ટેનન્સ મેનેજર નથી પરંતુ KCC બિલ્ડકોનનો જુનિયર સ્ટાફ હતો. કંપનીએ એમ પણ લખ્યું છે કે તેના દ્વારા આપવામાં આવેલ નિવેદન ટેકનિકલ સમજ પર આધારિત નથી.
એક અહેવાલ મુજબ, કર્મચારીએ દાવો કર્યો હતો કે કોઈ ઉંદર અથવા નાના પ્રાણીએ હાઈવે પર ખાડો કર્યો હશે. દૌસામાં એક્સપ્રેસ-વેના પ્રોજેક્ટ ડાયરેક્ટર બલવીર યાદવે જણાવ્યું કે પાણી લીકેજ થવાને કારણે રસ્તો તૂટી ગયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિલોમીટરમાં ફેલાયેલો દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. તે બે શહેરો વચ્ચેનો પ્રવાસ સમય 24 કલાકથી ઘટાડીને માત્ર 12-13 કલાક કરવા માટે બનાવવામાં આવ્યો છે.