ગાઝા વિવાદ બાદ હાર્વર્ડમાં યહૂદી વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા અને વિરોધ પ્રદર્શનમાં વધારો થયો છે. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે યુનિવર્સિટીને આડે હાથ લીધી છે.
સરકારનું કહેવું છે કે હાર્વર્ડની વહીવટી નિષ્ફળતાઓએ યહૂદી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.
અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે યુનિવર્સિટી પર યહૂદી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ અને અસુરક્ષાના આરોપોનો સામનો કરવામાં નિષ્ફળતાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પે હાર્વર્ડને ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક અને નક્કર પગલાં નહીં લેવાય તો યુનિવર્સિટીનું સંઘીય ફંડિંગ સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવશે.
ગાઝા વિવાદે વધાર્યો તણાવ
અમેરિકી સરકારે એક પત્રમાં જણાવ્યું છે કે, “હાર્વર્ડ કેમ્પસમાં યહૂદી વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો ભેદભાવ અને પૂર્વગ્રહનો સામનો કરી રહ્યો છે, જ્યારે ચારમાંથી એક વિદ્યાર્થીએ પોતાને શારીરિક રીતે અસુરક્ષિત અનુભવ્યું છે.” આ મુદ્દો ખાસ કરીને ઓક્ટોબર 2023માં હમાસના હુમલા અને તેના જવાબમાં ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી બાદ ઉભો થયો છે. આ ઘટનાઓએ અમેરિકાની યુનિવર્સિટીઓમાં યહૂદી વિદ્યાર્થીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો અને હિંસાને વેગ આપ્યો છે.
રિપોર્ટ અનુસાર, હાર્વર્ડ યુનિવર્સિટીએ નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ અને સંગઠનો સામે કોઈ શિસ્તબદ્ધ કાર્યવાહી કરી નથી, જેના કારણે યહૂદી વિદ્યાર્થીઓમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે.
સમગ્ર મામલે હાર્વર્ડનો જવાબ
હાર્વર્ડ યુનિવર્સિટીએ સરકારની આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવના ગણાવી છે અને તેની વિરુદ્ધ કાનૂની પગલાં લીધાં છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ પગલું શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. હાર્વર્ડે દલીલ કરી છે કે તેમનું વહીવટ વિદ્યાર્થીઓની સુરક્ષા અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સરકારની ધમકીઓ શૈક્ષણિક સંસ્થાઓ પર અનુચિત દબાણ લાવે છે.
ટ્રમ્પ સરકારનું આકરું વલણ
ટ્રમ્પ સરકારે હાર્વર્ડને શિક્ષણ નીતિઓમાં મોટા ફેરફારોનું કેન્દ્ર બનાવી દીધું છે. વ્હાઇટ હાઉસે અત્યાર સુધી $2.6 બિલિયન (અંદાજે 21,600 કરોડ)નું ફંડિંગ રોકી દીધું છે અને યુનિવર્સિટીના ટેક્સ છૂટના દરજ્જા પર પણ પુનર્વિચારની વાત કરી છે. શરૂઆતમાં આરોપો ફક્ત યહૂદી વિરોધી વાતાવરણ સુધી મર્યાદિત હતા, પરંતુ હવે સરકારે રાજકીય પક્ષપાત, ભરતી અને પ્રવેશમાં વિવિધતા આધારિત નીતિઓને પણ નિશાન બનાવી છે.
સરકારનું કહેવું છે કે હાર્વર્ડની વહીવટી નિષ્ફળતાઓએ યહૂદી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. જો યુનિવર્સિટીએ બંધારણીય ફેરફારો અને જવાબદારી સુનિશ્ચિત નહીં કરી, તો તેને સંઘીય સહાયથી સંપૂર્ણ રીતે વંચિત કરવામાં આવી શકે છે.
શું થશે આગળ?
આ વિવાદે હાર્વર્ડ અને ટ્રમ્પ સરકાર વચ્ચેનો તણાવ વધુ ગાઢો કર્યો છે. એક તરફ હાર્વર્ડ પોતાની શૈક્ષણિક સ્વતંત્રતાને બચાવવા માટે લડી રહ્યું છે, તો બીજી તરફ સરકાર યુનિવર્સિટીઓમાં વધતા યહૂદી વિરોધી માહોલ સામે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. આ મુદ્દો આગળ કેવો વળાંક લે છે, તેના પર વિશ્વભરની શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય વર્તુળોની નજર રહેશે.