અમેરિકામાં જોબ્સનો દેખાવ: શું ખરેખર વૃદ્ધિ થઈ રહી છે કે આ માત્ર કાગળ પરની વાત છે?
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જોબ વધવાને બદલે ઘટી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જૂન મહિનામાં જોબ્સનો જે આંકડો બતાવાયો છે તે આર્ટિફિશિયલ પણ હોઈ શકે છે, મતલબ કે આગામી સમયમાં સ્થિતિ બદલાઈ શકે છે.
CNNના એક રિપોર્ટ અનુસાર, હાલ હાયરિંગ એક્ટિવિટી દસ વર્ષના તળિયે પહોંચી ગઈ છે, પરંતુ છટણીનું પ્રમાણ હાલ સ્થિર છે.
જૂન 2025ના જોબ ડેટાએ અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા છે. બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિક્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, જૂન મહિનામાં અમેરિકામાં 1.47 લાખ નવી જોબ્સ ઉમેરાઈ છે, અને આ ગાળા દરમિયાન બેરોજગારી દર પણ 4.2% થી ઘટીને 4.1% થયો છે. છેલ્લા ત્રણ મહિનાના રિપોર્ટ પર નજર કરીએ તો, એપ્રિલમાં 1.58 લાખ, મે મહિનામાં 1.44 લાખ અને જૂનમાં 1.47 લાખ નવી જોબ્સ ઉમેરાઈ છે.
આ આંકડાઓ સપાટી પરથી નોકરી બજારમાં તેજી દર્શાવે છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે, જેમણે તાજેતરમાં "બગિગ બ્યૂટિફુલ બિલ" પાસ કરાવ્યું છે. જૂન મહિનાના આંકડા તેમના માટે "દોડવું હતું ને ઢાળ મળ્યો" જેવી સ્થિતિ સર્જી છે.
કયા સેક્ટર્સમાં જોબ્સ વધી?
જૂન મહિનામાં જે સેક્ટર્સમાં સૌથી વધુ જોબ્સ મળી છે તેમાં હેલ્થકેર ટોચ પર છે, જેમાં 58,000 નવી જોબ્સ ઉમેરાઈ છે. આ ઉપરાંત, હોસ્પિટાલિટીમાં 20,000 અને સ્ટેટ તેમજ લોકલ ગવર્મેન્ટમાં 80,000 લોકોને જોબ મળી છે.
ખાનગી ક્ષેત્રની ચિંતાજનક સ્થિતિ
જોકે, જૂનના આ ડેટામાં સૌથી ચિંતાજનક વાત એ છે કે પ્રાઈવેટ સેક્ટરમાં આ ગાળા દરમિયાન માત્ર 74,000 નવી જોબ્સ ઉમેરાઈ છે, જે ઓક્ટોબર 2024 પછીનો સૌથી ઓછો આંકડો છે. તેમાંય જો એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટરને બાદ કરીએ તો પ્રાઈવેટ સેક્ટર્સે જૂનમાં માત્ર 23,000 નવી જોબ્સ ક્રિએટ કરી છે. આ આંકડો છેલ્લા 12 મહિનાની 50,000ની માસિક સરેરાશથી અડધો પણ નથી.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જોબ વધવાને બદલે ઘટી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જૂન મહિનામાં જોબ્સનો જે આંકડો બતાવાયો છે તે આર્ટિફિશિયલ પણ હોઈ શકે છે, મતલબ કે આગામી સમયમાં સ્થિતિ બદલાઈ શકે છે.
વેતન વૃદ્ધિનો અભાવ અને વર્કર્સનો ભય
જોબ્સ જે પ્રમાણે વધી છે તે અનુસાર લોકોના વેતનમાં વધારો થયો નથી. એક રિપોર્ટ અનુસાર, કલાકનું એવરેજ વેતન 8 સેન્ટ જેટલું વધીને 36.30 ડોલર થયું છે, જેમાં દરેક પ્રકારની જોબ્સ આવી જાય છે. આ સિવાય, વર્કર્સમાં હવે નવી જોબ નહીં મળે તેવો ડર વધી રહ્યો હોવાથી લોકો જોબ છોડવાનું પણ ટાળી રહ્યા છે. CNNના એક રિપોર્ટ અનુસાર, હાલ હાયરિંગ એક્ટિવિટી દસ વર્ષના તળિયે પહોંચી ગઈ છે, પરંતુ છટણીનું પ્રમાણ હાલ સ્થિર છે.
40 કલાક કામનો અભાવ અને મહિલાઓનો વર્કફોર્સ છોડવાનો ટ્રેન્ડ
જોકે, જે લોકો પાસે હાલ જોબ છે તેમને પણ અઠવાડિયાના 40 કલાક કામ નથી મળી રહ્યું. સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, જૂન મહિનામાં લોકોને અઠવાડિયામાં એવરેજ 34.2 કલાક કામ મળ્યું હતું. તેમજ, મહિલાઓનું જોબ છોડવાનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે.
નેશનલ વિમેન્સ લૉ સેન્ટરના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી જૂન સુધીમાં 3.38 લાખ મહિલાઓ જોબ છોડી ચૂકી છે, જ્યારે આ ગાળામાં 1.83 લાખ પુરુષોનો વર્કફોર્સમાં ઉમેરો થયો છે. સરકારી રિપોર્ટમાં બેરોજગારીના દરમાં ઘટાડો થયો હોવાનો જે દાવો કરાયો છે તેની પાછળનું કારણ જોબ્સમાં થયેલો વધારો નહીં પરંતુ લેબર ફોર્સમાં થયેલો ઘટાડો કારણભૂત છે.
ડિપોર્ટેશન અને ટેરિફની અસર
એક અંદાજ અનુસાર, માસ ડિપોર્ટેશનને કારણે દસ લાખ જેટલા ફોરેન વર્કર્સ છેલ્લા ક્વાર્ટર દરમિયાન જોબ છોડી ચૂક્યા હોવાથી બેરોજગારીનો આંકડો પણ ઓછો દેખાઈ રહ્યો છે. આ સિવાય, હવે ટ્રમ્પે ફરી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ચીમકી આપતા અમેરિકાની ઈકોનોમીમાં ફરી અંધાધૂંધીનો માહોલ ઉભો થઈ શકે છે અને તેની અસર જોબ માર્કેટ પર જોવા મળે તેવા પૂરા ચાન્સ છે. આમ, કાગળ પર જોબ્સમાં વૃદ્ધિ દેખાતી હોવા છતાં, ઊંડાણપૂર્વક જોતા, કેટલાક ચિંતાજનક વલણો સ્પષ્ટ થાય છે જે અમેરિકાના જોબ માર્કેટની વાસ્તવિકતાને વધુ જટિલ બનાવે છે.