Vitamin D: ભારતમાં ઝડપથી વધી રહી છે વિટામિન-ડીની ઉણપ, નિષ્ણાતો પાસેથી જાણો કોને છે સૌથી વધુ જોખમ?
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, છતાં લોકો આ આરોગ્ય સમસ્યાને ગંભીરતાથી લેતા નથી કે તેની અવગણના કરે છે.
વિટામિન ડીની ઉણપથી હાડકાં નબળાં પડવાની સાથે આખું શરીર પ્રભાવિત થાય છે.
વિટામિન ડીની ઉણપને એક સાયલન્ટ મહામારી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉણપ માત્ર હાડકાંની સમસ્યા નથી, પરંતુ તે આખા શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ) પર અસર કરે છે અને અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, છતાં લોકો આ આરોગ્ય સમસ્યાને ગંભીરતાથી લેતા નથી કે તેની અવગણના કરે છે.
ICRIER અને ANVKA ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દર પાંચમો ભારતીય વિટામિન ડીની ઉણપનો શિકાર છે. આ સમસ્યા દેશના અલગ-અલગ ભાગોમાં જુદા જુદા સ્તરે જોવા મળે છે, પરંતુ પૂર્વ ભારતમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે, જ્યાં લગભગ 39% લોકો આ ઉણપથી પીડાઈ રહ્યા છે.
નિષ્ણાંતોના મતે જાણીએ કે ભારતમાં આ ઉણપનું કારણ શું છે, કયા લોકોને સૌથી વધુ જોખમ છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
વિટામિન ડીની ઉણપ: એક સાયલન્ટ મહામારી
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, વિટામિન ડીની ઉણપ માત્ર હાડકાં સુધી મર્યાદિત નથી, પરંતુ તે શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આની અસર વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે દેશની આરોગ્ય સેવા વ્યવસ્થા અને અર્થતંત્ર પર પણ પડે છે.
કયા લોકોને છે સૌથી વધુ જોખમ?
બાળકો, કિશોરો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધ લોકો વિટામિન ડીની ઉણપથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. મહિલાઓમાં આ ઉણપ પુરુષોની સરખામણીએ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં આ સમસ્યા ગ્રામીણ વિસ્તારોની તુલનામાં વધુ ગંભીર છે.
આરોગ્યને થઈ શકે છે આ સમસ્યાઓ
વિટામિન ડીની ઉણપથી હાડકાં નબળાં પડવાની સાથે આખું શરીર પ્રભાવિત થાય છે. બાળકોમાં રિકેટ્સ અને પુખ્ત વયના લોકોમાં હાડકાંની નબળાઈ (ઓસ્ટિયોમેલેશિયા) જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, સ્નાયુઓની નબળાઈ, થાક, મૂડમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેશન પણ જોવા મળે છે. આ ઉણપ હૃદય રોગ, ડાયાબિટીસ અને કેટલાંક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
આ ઉણપ દૂર કરવા માટે રોજના આહારમાં દૂધ અને દહીંનું સેવન વધારવું જોઈએ. સવારે 7થી 8 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશનો લાભ લેવો જરૂરી છે. તેલ અને અનાજ જેવા રોજિંદા ખાદ્ય પદાર્થોમાં વિટામિન ડીનું ફોર્ટિફિકેશન વધારવું જોઈએ. આ સાથે, વિટામિન ડીની ઉણપ અંગે મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે, જેથી લોકો આના દુષ્પરિણામોથી વાકેફ થઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે. આમ, વિટામિન ડીની ઉણપ એ ભારત માટે એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના પર ધ્યાન આપવું હવે અનિવાર્ય છે.