Maha Kumbh 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડો - મહાકુંભ 2025, જે પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલ્યો, બુધવારે અંતિમ સ્નાન ઉત્સવ મહાશિવરાત્રી સાથે સમાપ્ત થયો. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ મેળામાં દેશ-વિદેશના 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં, 1.44 કરોડથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી અને 13 જાન્યુઆરીથી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 66.21 કરોડ પર પહોંચી ગઈ છે. ભક્તોની આ સંખ્યા ચીન અને ભારત સિવાય અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશો સહિત તમામ દેશોની વસ્તી કરતાં વધુ છે. વધુમાં, આ સંખ્યા મક્કા અને વેટિકન સિટી જતા યાત્રાળુઓની સંખ્યા કરતા પણ વધુ છે.