Navratri Day 2: આજે નવરાત્રિનો બીજો દિવસ છે, જે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપને સમર્પિત છે. ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપસ્યા છે, અને ‘બ્રહ્મચારિણી’ એટલે તપનું આચરણ કરનારી દેવી. આ દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અને આરતી કરવાથી ભક્તોને તેમના કાર્યોમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે.
મા બ્રહ્મચારિણીની આરતી
મા બ્રહ્મચારિણીની આરતી દરેક ભક્તે આજે ગાવી જોઈએ. આ આરતી ભક્તિ અને શ્રદ્ધાને વધારે છે:
જય ગાયત્રી વેદ કી માતા, જો મન નિસ દિન તુમ્હેં ધ્યાતા
રુદ્રાક્ષ કી માલા લે કર, જપે જો મંત્ર શ્રદ્ધા દે કર
આળસ છોડ કરે ગુણગાના, માં તુમ ઉસકો સુખ પહોંચાના
બ્રહ્મચારિણી તેરો નામ, પૂર્ણ કરો સબ મેરે કામ
ભક્ત તેરે ચરણોં કા પૂજારી, રાખના લાજ મેરી મહતારી
મા બ્રહ્મચારિણીની કથા
મા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રોમાં, એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડલ ધારણ કરે છે. તેઓ ભક્તોને તપ અને પરિશ્રમનું મહત્વ શીખવે છે. પૌરાણિક કથા અનુસાર, નારદજીના ઉપદેશથી માએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી હતી. તેમણે હજારો વર્ષો સુધી બીલીપત્ર ખાઈને અને પછી તો પાંદડાં પણ છોડી દઈને તપસ્યા કરી, જેના કારણે તેમનું નામ ‘અપર્ણા’ પણ પડ્યું. આ કથા ભક્તોને કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાની અને સતત મહેનત કરવાની પ્રેરણા આપે છે.
મંત્ર અને પૂજા વિધિ
આજે ભક્તોએ મા બ્રહ્મચારિણીના આ મંત્રનો જપ કરવો જોઈએ:
‘ઓમ ઐં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ:’
આ મંત્રની ઓછામાં ઓછી 108 વખત એટલે કે એક માળાનો જપ કરવાથી તમારા કાર્યોમાં વિજય નિશ્ચિત થશે. આ સાથે, માની આરતી અને પૂજા કરવાથી મનને શાંતિ અને શક્તિ મળે છે.
શા માટે મહત્વનું છે આ દિવસ?
મા બ્રહ્મચારિણીની પૂજા ભક્તોના જીવનમાં જપ, તપ અને ધ્યાનની શક્તિ વધારે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ, આત્મબળ અને સફળતા પ્રાપ્ત થાય છે.