રશિયાની એક કોર્ટે ગુગલ પર ભારે દંડ ફટકાર્યો છે. રશિયાનો આરોપ છે કે યુટ્યુબે રશિયન સૈનિકોને લગતા કેટલાક વીડિયો બતાવ્યા છે જે સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આપને જણાવી દઈએ કે YouTube એ ગુગલનું પ્લેટફોર્મ છે. જોકે, આ દંડ અંગે ગૂગલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
નવેમ્બર 2024માં એક રશિયન કોર્ટે ગૂગલ પર $20 ડેસિલિયનનો મોટો દંડ ફટકાર્યો. પ્રતિબંધિત ક્રેમલિન-સમર્થક યુટ્યુબ ચેનલોને પુનઃસ્થાપિત ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.
યુટ્યુબ પર ખોટા વીડિયો બતાવવાનું ગુગલ માટે મોંઘુ સાબિત થયું છે. રશિયાની એક કોર્ટે ગૂગલ પર 38 લાખ રુબેલ્સ (લગભગ 36 લાખ રૂપિયા)નો દંડ લગાવ્યો છે. આ દંડ કેટલાક યુટ્યુબ વીડિયોને કારણે લાદવામાં આવ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ વીડિયોમાં કથિત રીતે રશિયન સૈનિકોને શરણાગતિ કેવી રીતે આપવી તે બતાવવામાં આવ્યું હતું. રશિયા વિદેશી ટેક કંપનીઓ પર દબાણ લાવી રહ્યું છે. તે ઇચ્છે છે કે આ કંપનીઓ તે સામગ્રી દૂર કરે જે તેને ગેરકાયદેસર લાગે છે. આમાં યુક્રેન યુદ્ધ વિશે ખોટી માહિતી પણ શામેલ છે. આ દંડ આ પ્રયાસનો એક ભાગ છે. ગુગલે હજુ સુધી આ દંડ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
રશિયન અધિકારીઓ સામે આરોપો
કેટલાક ટીકાકારો દાવો કરે છે કે રશિયન સત્તાવાળાઓ જાણી જોઈને YouTube ડાઉનલોડ સ્પીડ ધીમી કરી રહ્યા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમની સરકારની ટીકા કરતી સામગ્રીને લોકો સુધી પહોંચાડવાનું મુશ્કેલ બનાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે.
જોકે, રશિયાએ આ આરોપને નકારી કાઢ્યો છે. રશિયા કહે છે કે આ સમસ્યા ગૂગલ દ્વારા તેના સાધનોને અપગ્રેડ કરવામાં નિષ્ફળતાને કારણે છે. ગૂગલ અને અન્ય ટેકનોલોજી નિષ્ણાતોએ આ દાવાનું ખંડન કર્યું છે.
દંડ માર્કેટ કેપ કરતાં વધુ
ડિસેમ્બર 2024માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુગલ પર અમેરિકન સરકાર દ્વારા રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવાતું સાધન હોવાનો આરોપ લગાવ્યો હતો.
નવેમ્બર 2024માં એક રશિયન કોર્ટે ગૂગલ પર $20 ડેસિલિયનનો મોટો દંડ ફટકાર્યો. પ્રતિબંધિત ક્રેમલિન-સમર્થક યુટ્યુબ ચેનલોને પુનઃસ્થાપિત ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ ગુગલના માર્કેટ કેપ અને સમગ્ર વિશ્વના GDP કરતા પણ વધુ હતો.
કંપની નાદાર થઈ ગઈ
રાજ્ય સંચાલિત અને લશ્કરી પ્રસારણકર્તાઓ સહિત 17 રશિયન ટીવી ચેનલોએ ઘણા દેશોમાં કોર્ટના ચુકાદાઓને લાગુ કરવા માટે ગૂગલ સામે કાનૂની દાવાઓ દાખલ કર્યા છે. 2022માં રશિયન અધિકારીઓએ તેના બેન્ક ખાતાઓ જપ્ત કર્યા પછી, ગૂગલની રશિયન પેટાકંપની નાદાર થઈ ગઈ. જોકે તેની મફત સેવાઓ હજુ પણ ચાલુ છે.