બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદીની જાહેરાત કરી: બલોચ નેતાએ ભારત સહિત વૈશ્વિક સમુદાયને સમર્થનની કરી અપીલ
બલોચ નેતાએ ભારતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ખાલી કરાવવાની માંગને પૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા દબાણ લાવવા હાકલ કરી. મીર યારે જણાવ્યું, "14 મે, 2025ના રોજ બલૂચિસ્તાને PoK ખાલી કરવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
બલૂચિસ્તાનના પ્રખ્યાત નેતા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી છે. આ ઘોષણા સાથે તેમણે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને બલૂચિસ્તાનના સ્વતંત્રતા સંઘર્ષને સમર્થન આપવાની ભાવનાપૂર્ણ અપીલ કરી છે. બલોચ નેતાએ પાકિસ્તાન દ્વારા દાયકાઓથી ચાલતી હિંસા, જબરદસ્તી ગુમ થયેલા લોકો અને માનવાધિકાર ઉલ્લંઘનોને આ નિર્ણયનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
બલૂચિસ્તાનનો નિર્ણય: "અમે પાકિસ્તાનનો ભાગ નથી"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટમાં મીર યાર બલોચે લખ્યું, "તમે અમને મારશો, પણ અમે નીકળી પડશું, કારણ કે અમે અમારી જાતિને બચાવવા નીકળ્યા છીએ. આવો, અમારો સાથ આપો." તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના બલૂચિસ્તાનમાં બલોચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો સ્પષ્ટ નિર્ણય છે કે બલૂચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે વૈશ્વિક સમુદાયને આ લડાઈમાં મૌન ન રહેવા અપીલ કરી છે.
ભારતીય નાગરિકોને વિશેષ અપીલ
મીર યાર બલોચે ભારતીય મીડિયા, યુટ્યુબર્સ અને બુદ્ધિજીવીઓને વિનંતી કરી કે તેઓ બલોચ લોકોને 'પાકિસ્તાનના લોકો' તરીકે ઓળખાવવાનું બંધ કરે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, "અમે બલૂચિસ્તાની છીએ, પાકિસ્તાની નહીં." બલોચ નેતાએ ઉમેર્યું કે પાકિસ્તાનના 'પોતાના લોકો' એટલે પંજાબીઓ, જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, જબરદસ્તી ગુમ થવાની ઘટનાઓ કે નરસંહારનો સામનો નથી કર્યો.
PoK પર ભારતના વલણને સમર્થન
બલોચ નેતાએ ભારતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ખાલી કરાવવાની માંગને પૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા દબાણ લાવવા હાકલ કરી. મીર યારે જણાવ્યું, "14 મે, 2025ના રોજ બલૂચિસ્તાને PoK ખાલી કરવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને PoK તાત્કાલિક છોડવા વિનંતી કરવી જોઈએ." તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન આ મામલે નહીં માને, તો 1971ના ઢાકા યુદ્ધ જેવી અન્ય એક શરમજનક હાર માટે પાકિસ્તાની સેનાના લોભી જનરલો જવાબદાર હશે, જેઓ PoKની જનતાને માનવ ઢાલ બનાવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત પાકિસ્તાની સેનાને હરાવવામાં સક્ષમ છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુહાર
મીર યાર બલોચે ભારત અને વૈશ્વિક મંચોને અપીલ કરી કે તેઓ બલૂચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપે અને પાકિસ્તાનના ખોટા દાવાઓને સમર્થન ન આપે. તેમણે દાવો કર્યો કે બલૂચિસ્તાનને જબરદસ્તી અને વિદેશી શક્તિઓની મદદથી પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યું હતું.
બલૂચિસ્તાનમાં માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન
બલૂચિસ્તાનમાં લાંબા સમયથી ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં જબરદસ્તી ગુમ થવાની ઘટનાઓ, બનાવટી એન્કાઉન્ટર અને અસંમતિના અવાજોને દબાવવાનો સમાવેશ થાય છે. આ અપરાધો માટે પાકિસ્તાની સુરક્ષા દળો અને સ્થાનિક સશસ્ત્ર જૂથો બંનેને જવાબદાર ગણવામાં આવે છે. આ સંઘર્ષમાં સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા છે, જ્યાં ન તો મીડિયાની પહોંચ છે કે ન તો કોઈ ન્યાયિક જવાબદારી.