Buy Now Pay Later: એક સમય હતો જ્યારે ભારતીય મધ્યમ વર્ગ દેવું કે ઉધાર લેતાં પહેલા સો વાર વિચાર કરતો હતો. લોન લેવી એ મોટે ભાગે ઘર બનાવવા કે બિઝનેસ શરૂ કરવા જેવી મોટી અને જરૂરી બાબતો પૂરતું સીમિત હતું. પણ હવે એ ભારત બદલાઈ ગયું છે.
Buy Now Pay Later: એક સમય હતો જ્યારે ભારતીય મધ્યમ વર્ગ દેવું કે ઉધાર લેતાં પહેલા સો વાર વિચાર કરતો હતો. લોન લેવી એ મોટે ભાગે ઘર બનાવવા કે બિઝનેસ શરૂ કરવા જેવી મોટી અને જરૂરી બાબતો પૂરતું સીમિત હતું. પણ હવે એ ભારત બદલાઈ ગયું છે.
આજની વાસ્તવિકતા એ છે કે દેશમાં વેચાતા અડધાથી વધુ સ્માર્ટફોન EMI પર ખરીદવામાં આવી રહ્યા છે. વાત માત્ર ફોનની નથી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને વિદેશ પ્રવાસ સુદ્ધાં લોન પર થઈ રહ્યા છે. આ બદલાતા ટ્રેન્ડ પર જાણીતા ફાઇનાન્સ એક્સપર્ટ અને CoinSwitchના કો-ફાઉન્ડર આશિષ સિંઘલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
એક્સપર્ટે કેમ જણાવી ખતરાની ઘંટી સમાન?
આશિષ સિંઘલે તાજેતરમાં લિંક્ડઇન પર એક પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું, 'આપણા માતા-પિતાની પેઢી દેવાથી દૂર ભાગતી હતી, ખાસ કરીને ફોન કે રજાઓ માણવા જેવી વસ્તુઓ માટે. જો પૈસા ન હોય, તો તેઓ એ વસ્તુ ખરીદતા જ નહોતા. પણ હવે એ ભારત રહ્યું નથી.'
તેમની આ ચિંતા પાછળ મજબૂત આંકડાકીય આધાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે ઇતિહાસમાં પહેલીવાર, લોકોનું કુલ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું, હોમ લોન કરતાં પણ વધી ગયું છે. આ આંકડો દેશની આર્થિક સ્થિરતા પર સવાલો ઉભા કરે છે.
દેવું કમાણી કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે
ચિંતાની વાત માત્ર લોન લેવા પૂરતી નથી, પરંતુ તે ચૂકવવામાં અસમર્થ લોકોની વધતી સંખ્યા પણ છે.
સરેરાશ દેવામાં વધારો: આશિષ સિંઘલના જણાવ્યા મુજબ, આજે દરેક ભારતીય પર સરેરાશ 4.8 લાખ રૂપિયાનું દેવું છે, જે બે વર્ષ પહેલા 3.9 લાખ રૂપિયા હતું. આ દેવું આપણી કમાણી કરતાં પણ વધુ ઝડપથી વધી રહ્યું છે.
લોન ડિફોલ્ટ: એક રિપોર્ટ મુજબ, માત્ર મોબાઈલ ફોન ખરીદવા માટે લેવાયેલી લોનમાંથી દર વર્ષે લગભગ 2.7%થી 2.9% લોન ડિફોલ્ટ થઈ રહી છે (એટલે કે લોકો હપ્તા ભરી નથી શકતા). આ આંકડો ઘણો ઊંચો ગણાય.
લોનનો હેતુ બદલાયો: સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કુલ દેવામાંથી અડધાથી વધુ રકમ ઘર ખરીદવા કે બિઝનેસ માટે નથી. તે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કાર લોન છે. મતલબ, લોકો સંપત્તિ બનાવવા કે રોકાણ કરવાને બદલે, વસ્તુઓ ખરીદવા માટે ઉધાર લઈ રહ્યા છે.
માર્ચ 2024 મુજબ આંકડા શું કહે છે?
54.9%: કુલ રિટેલ લોનમાં ઘર સિવાય અન્ય કામો (પર્સનલ, કન્ઝ્યુમર) માટે લેવાયેલી લોન.
29%: હોમ લોન.
16.1%: ખેતી અને બિઝનેસ માટેની લોન.
આટલું જ નહીં, હવે આ લોનના હપ્તા (EMI) લોકોની કમાણીનો 25.7% થી વધુ હિસ્સો ખાઈ રહ્યા છે, જે પાંચ વર્ષ પહેલાં કરતાં ઘણું વધારે છે.
'બાય નાઉ, પે લેટર'નું આકર્ષણ
આશિષ સિંઘલ કહે છે કે આ બદલાવ પાછળનું મુખ્ય કારણ લોન લેવાનું અત્યંત સરળ બની જવું છે. વિવિધ એપ્સ, NBFCs અને 'બાય નાઉ, પે લેટર' (Buy Now, Pay Later) જેવી સુવિધાઓએ ગ્રાહકો માટે ઉધાર લેવાનો રસ્તો સાવ આસાન બનાવી દીધો છે. ભારત, જે દાયકાઓ સુધી તેની બચત કરવાની આદત માટે જાણીતું હતું એક સમયે આપણે કમાણીનો 23%થી 25% હિસ્સો બચાવતા હતા, તે હવે ઝડપથી ઘટી રહ્યું છે.
ભવિષ્ય માટે ચેતવણી
સિંઘલે એક ગંભીર સવાલ ઉઠાવ્યો છે. લોન પર વ્યાજ લાગે છે અને તે સમય જતાં વધતું જાય છે. એકવાર લાઈફસ્ટાઈલ સેટ થઈ જાય, પછી તેને બદલવી મુશ્કેલ બને છે. તેમણે ચેતવ્યા કે, 'ત્યારે શું થશે જ્યારે આ પેઢી 40કે 50 વર્ષની થશે અને તેમને અહેસાસ થશે કે તેમણે પોતાની 20s અને 30sનો કિંમતી સમય સંપત્તિ બનાવવાને બદલે EMI ભરવામાં વિતાવી દીધો?' સ્પષ્ટ છે કે, ભારત એક દાયકાથી પણ ઓછા સમયમાં પહેલા બચાવો, પછી ખર્ચો વાળા મોડમાંથી 'પહેલા ખર્ચો, પછી ચૂકવો'ના જોખમી માર્ગ પર ચાલી નીકળ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.