Megha Engineering CASE: 315 કરોડના NISP પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર બદલ સ્ટીલ મંત્રાલય અને મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે આ જાણકારી આપી. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેમણે રૂપિયા 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર માટે સ્ટીલ મંત્રાલયના NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટના આઠ અધિકારીઓ સાથે Megha Engineering and Infrastructure Ltd સામે કેસ નોંધ્યો છે.
અહેવાલો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે જગદલપુર ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સાથે સંબંધિત કામો માટે રૂપિયા 174 કરોડના મેઘા એન્જિનિયરિંગના બિલ ક્લિયર કરવા માટે લગભગ રૂપિયા 78 લાખની કથિત લાંચ ચૂકવવામાં આવી હતી. એફઆઈઆરમાં NISP અને NMDCના આઠ અધિકારીઓ અને કથિત રીતે લાંચ લેવા બદલ MECONના બે અધિકારીઓના નામ પણ છે.
આ અનલિસ્ટેડ ફર્મે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને લગભગ રૂપિયા 585 કરોડનું મહત્તમ દાન આપ્યું હતું. કંપનીએ BRSને રૂપિયા 195 કરોડ, DMKને રૂપિયા 85 કરોડ અને YSRCPને રૂપિયા 37 કરોડનું દાન આપ્યું હતું. ટીડીપીને કંપની પાસેથી લગભગ 25 કરોડ રૂપિયા મળ્યા જ્યારે કોંગ્રેસને 17 કરોડ રૂપિયા મળ્યા.
કંપનીની સ્થાપના 1989માં ઉદ્યોગપતિ પામીરેડ્ડી પિચી રેડ્ડીએ મેઘા એન્જીનિયરિંગ એન્ટરપ્રાઇઝ તરીકે કરી હતી. 2006માં, તેણે તેનું નામ બદલીને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખ્યું અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે ડેમ, નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને રસ્તાઓમાં એક્ટિવ થઈ.