Karachi Airport blast: કરાચી બોમ્બ બ્લાસ્ટમાં પોતાના નાગરિકોના મોત પર ચીન ગુસ્સે, જાણો શું કહ્યું
Karachi Airport blast: પાકિસ્તાનમાં ફરી એકવાર ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કરાચી એરપોર્ટની બહાર રવિવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકોના મોત થયા છે. આ વિસ્ફોટ બાદ ચીને આકરી પ્રતિક્રિયા આપી છે.
Karachi Airport blast: પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે ચીની કામદારોના મોત થયા છે અને ઓછામાં ઓછા 17 અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. ચીની નાગરિકોને નિશાન બનાવતા આ હુમલા બાદ ચીની દૂતાવાસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ચીની દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 'પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર (પ્રાઇવેટ) લિમિટેડ કંપની'ના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર રાત્રે લગભગ 11 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ ચીની નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.
ઈમરજન્સી પ્લાન પર કામ શરૂ
બ્લાસ્ટ બાદ પાકિસ્તાનમાં ચીની એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલે ઈમરજન્સી પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનના નિવેદનમાં વિસ્ફોટને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ચીન તેના પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે પાકિસ્તાન સાથે કામ કરી રહ્યું છે. ચીને આ હુમલાની તપાસની માંગ કરી છે જેથી કરીને ગુનેગારોને પકડી શકાય. પાકિસ્તાનમાં ચીનના નાગરિકોને સુરક્ષાની સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે.
ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા
પાકિસ્તાનમાં હજારો ચીની કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગના ચીનના અબજો ડોલરના 'બેલ્ટ એન્ડ રોડ' પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ ચીની નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જ્યારે કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટની સાથે જ અનેક કારમાં આગ લાગી હતી.
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan's Geo News. (Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
પોલીસ અધિકારી અઝફર મહેસરે મીડિયાને જણાવ્યું કે, "અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વિસ્ફોટ કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યો હતો." નાગરિક ઉડ્ડયન વિભાગના કર્મચારી રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ગંભીર હતો કે તેનાથી એરપોર્ટની ઇમારતો હચમચી ઉઠી હતી.