ચીનનું રાફેલ વિરોધી ષડયંત્ર પડ્યું ઉઘાડું: પોતાના હથિયાર વેચવા AIથી ફેલાવી ખોટી અફવાઓ, US રિપોર્ટમાં મોટો ખુલાસો
AI Disinformation: અમેરિકાના એક નવા રિપોર્ટમાં ચીનના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રિપોર્ટ અનુસાર, ચીને પોતાના ફાઇટર જેટ અને હથિયારોના વેચાણને વધારવા માટે ભારતના શક્તિશાળી રાફેલ જેટને બદનામ કરવા AI અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ખોટી માહિતી ફેલાવી હતી.
આ ઘટનાનો ફાયદો ઉઠાવીને ચીને AI દ્વારા રાફેલ જેટના કાટમાળની નકલી તસવીરો બનાવી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.
China Propaganda: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચીનની વધુ એક ચાલનો પર્દાફાશ થયો છે. અમેરિકાના એક સુરક્ષા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ભારતના અત્યાધુનિક ફાઇટર જેટ રાફેલની છબી ખરાબ કરવા માટે એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. તેનો મુખ્ય હેતુ પોતાના લડાકુ વિમાન J-10 અને અન્ય સંરક્ષણ સાધનોને બહેતર બતાવીને તેનું વેચાણ વધારવાનો હતો.
પોતાના હથિયાર વેચવા માટે ચીનનું મોટું ષડયંત્ર
અમેરિકન કોંગ્રેસ દ્વારા રચાયેલ 'અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગ'ના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ચીન એવું સાબિત કરવા માંગતું હતું કે ફ્રાન્સ દ્વારા નિર્મિત રાફેલ જેટ કરતાં તેના J-10 વિમાનો વધુ સક્ષમ છે. આ પ્રોપેગેન્ડા હેઠળ ચીને ઈન્ડોનેશિયા જેવા દેશોને રાફેલ ખરીદતા અટકાવવામાં આંશિક સફળતા પણ મેળવી હતી.
AI અને વીડિયો ગેમનો ઉપયોગ કરી રાફેલને બતાવ્યું તૂટેલું
આ ષડયંત્રને અંજામ આપવા માટે ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને વીડિયો ગેમ ગ્રાફિક્સનો સહારો લીધો હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ રાફેલનો આક્રમક ઉપયોગ કર્યો હતો.
આ ઘટનાનો ફાયદો ઉઠાવીને ચીને AI દ્વારા રાફેલ જેટના કાટમાળની નકલી તસવીરો બનાવી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ તસવીરો દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે પાકિસ્તાને ચીની હથિયારોની મદદથી ભારતનું રાફેલ તોડી પાડ્યું છે.
ચીની દૂતાવાસોએ પણ કર્યો ખોટો પ્રચાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના થોડા જ દિવસોમાં, ચીનના દૂતાવાસોએ તેમના સંરક્ષણ પ્રણાલીઓનો જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો. તેઓએ રાફેલના કથિત વિનાશને તેમના હથિયારો માટે 'સેલિંગ પોઇન્ટ' તરીકે ઉપયોગ કર્યો, જ્યારે વાસ્તવમાં ભારતના કોઈપણ વિમાનને નુકસાન થયાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. આમ, આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન પોતાના આર્થિક અને સામરિક હિતો માટે કેવી હદે જઈ શકે છે અને આ માટે તે આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરતાં પણ અચકાતું નથી.