US immigration ban: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વિદેશીઓના પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ઇમિગ્રેશન કાયદાની કલમ 212(F)નો ઉપયોગ કરીને, 19 દેશોના નાગરિકો પર અસર થઈ શકે છે. વિસ્તૃત માહિતી જાણો.
ટ્રમ્પે પોતાના ટ્વીટમાં 'ઇમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F)'નો ઉલ્લેખ કર્યો છે. આ કલમ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર આપે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વભરને ચોંકાવી દીધા છે. તાજેતરમાં તેમણે એક ટ્વિટ કરીને અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે દેશમાં ગેરકાયદેસર અને બિનજરૂરી પ્રવાસીઓની હાજરી માહોલ બગાડે છે અને તે અમેરિકન નાગરિકો માટે નુકસાનકારક છે. આ મુદ્દે તેમણે રાષ્ટ્રપ્રમુખને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને કડક પગલાં લેવાનો સંકેત આપ્યો છે.
ઇમિગ્રેશન કાયદાની કલમ 212(F)નો ઉલ્લેખ
ટ્રમ્પે પોતાના ટ્વીટમાં 'ઇમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F)'નો ઉલ્લેખ કર્યો છે. આ કલમ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર આપે છે. જો રાષ્ટ્રપ્રમુખને લાગે કે કોઈપણ વિદેશીઓ અથવા વિદેશીઓના વર્ગનો અમેરિકામાં પ્રવેશ દેશના હિતો માટે નુકસાનકારક છે, તો તેઓ જાહેરાત કરીને તેમના પ્રવેશને સ્થગિત કરી શકે છે અથવા તેમના પ્રવેશ પર યોગ્ય નિયંત્રણો લાદી શકે છે. ટ્રમ્પના મતે, આ સત્તાનો ઉપયોગ કરીને તેઓ અમેરિકાની સુરક્ષા અને હિતોનું રક્ષણ કરી શકશે.
અમેરિકામાં વિદેશીઓની વધતી સંખ્યા પર ચિંતા
ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે, અમેરિકાના ઇતિહાસમાં કોઈપણ વર્ષની તુલનાએ વર્તમાન સમયમાં અમેરિકામાં વિદેશીઓની સંખ્યા સૌથી વધુ છે. હાલમાં લગભગ 6 અમેરિકન નાગરિકોની તુલનાએ 1 વિદેશી પ્રવાસી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર છે, તેવું ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે.
વોશિંગ્ટન હુમલો અને પ્રતિબંધોનું એલાન
આ જાહેરાત વોશિંગ્ટનમાં 26 નવેમ્બરના રોજ થયેલા એક આતંકવાદી હુમલાના બે દિવસ પછી, એટલે કે 28 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ હુમલામાં અફઘાનિસ્તાનના એક યુવકે અમેરિકન નેશનલ ગાર્ડ્સને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મહિલા સુરક્ષા કર્મચારીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ટ્રમ્પે ત્રીજી દુનિયા અથવા ગરીબ દેશોના પ્રવાસ પર કાયમી પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.
ટ્રમ્પના રડાર પર 19 દેશો: કડક પગલાં શરૂ
આતંકવાદી હુમલા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન, વેનેઝુએલા, હૈતી, સોમાલિયા, તેમજ કેટલાક આફ્રિકન અને એશિયન દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત, તેમણે 19 દેશોના ગ્રીન કાર્ડની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.
લેવાયેલા મુખ્ય સ્ટેપ
શરણાર્થી અરજીઓ સ્થગિત: અમેરિકામાં શરણ લેવા માટે કરવામાં આવેલી લગભગ 223 અરજીઓની મંજૂરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.
અફઘાન વિઝા પર પ્રતિબંધ: અફઘાન પાસપોર્ટ ધારકોને નવા વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
ગ્રીન કાર્ડ ધારકોની તપાસ: 19 દેશોના 3.3 મિલિયન ગ્રીન કાર્ડ ધારકોની તપાસ કરવા અને શંકાસ્પદોને ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે.
બાઈડેન કાર્યકાળના શરણાર્થીઓની પુનઃતપાસ: બાઈડેનના કાર્યકાળ દરમિયાન અમેરિકા આવેલા 2.33 લાખ અફઘાન શરણાર્થીઓની ફરીથી તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ નિર્ણયો દર્શાવે છે કે ટ્રમ્પ ઇમિગ્રેશન મુદ્દે કેટલા કડક વલણ અપનાવી રહ્યા છે, જેના કારણે વિશ્વના ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો છે.