Fifth Generation Fighter: ભારત અને રશિયા તેમના દાયકાઓ જૂના સંબંધોને વધુ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. રશિયા હવે ભારતમાં પોતાના પાંચમી પેઢીના સ્ટેલ્થ ફાઈટર Su-57ના નિર્માણ માટે રોકાણનું આકલન કરી રહ્યું છે. ભારતને આવા 2 થી 3 સ્ક્વાડ્રન ફાઈટર્સની જરૂર છે, જે દેશની સંરક્ષણ શક્તિને નવી ઊંચાઈએ લઈ જશે. આ પ્રોજેક્ટ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને પ્રોડક્શન સેન્ટર તરીકે ચૂંટવામાં આવી શકે છે, જે અગાઉ નાસિકમાં Su-30 MKI ફાઈટર્સનું નિર્માણ કરી ચૂક્યું છે.
રશિયાનું Su-57 એક અદ્યતન સ્ટેલ્થ ફાઈટર છે, જે પાંચમી પેઢીની ટેક્નોલોજીથી સજ્જ છે. ભારતે આવા ફાઈટર્સની જરૂરિયાત વ્યક્ત કરી છે, અને આ માટે રશિયાનું Su-57 અને અમેરિકાનું F-35 બંને દાવેદાર હતા. જોકે, હવે રશિયા સાથે ચર્ચા આગળ વધી રહી છે. રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, રશિયન એજન્સીઓ હાલ ભારતમાં આ ફાઈટરના નિર્માણ માટે જરૂરી રોકાણનું મૂલ્યાંકન કરી રહી છે. ભારતમાં અન્ય રશિયન ઉપકરણોનું નિર્માણ કરતી ફેસિલિટીઝનો ઉપયોગ કરીને પ્રોડક્શન ખર્ચ ઘટાડી શકાય છે.
ભારતે તાજેતરમાં રશિયા પાસેથી S-400 અને S-500 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સની માંગ કરી છે. બીજી તરફ, રશિયા ભારતને Su-57 ફાઈટર્સ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. એક દાયકા પહેલાં ભારત આ પ્રોજેક્ટનો ભાગ હતું, પરંતુ કેટલાક મતભેદોને કારણે તે પીછેહઠ કરી હતી. હવે વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે.
ભારત પોતાનું સ્વદેશી પાંચમી પેઢીનું ફાઈટર વિકસાવી રહ્યું છે, જે 2028માં પ્રથમ ઉડાન ભરશે અને 2035 સુધીમાં સંપૂર્ણ રીતે ઓપરેશનલ થશે. આ સાથે, Su-57 પ્રોજેક્ટ ભારતની સંરક્ષણ શક્તિને તાત્કાલિક રૂપે મજબૂત કરી શકે છે.