ગુજરાતઃ 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ વરસાદ
દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો.
Gujarat Torrential rain: દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 8.5 ઈંચ, મહુવામાં 7 ઈંચ, વંથલી, જૂનાગઢમાં 5.5 ઈંચ, દ્વારકા અને બારડોલીમાં 6 ઈંચ, કુતિયાણા અને ઓલપાડમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકામાં વરસાદ
સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકાના જામખંભાળિયામાં સવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ, વિસાવદર અને કાલાવડમાં સવારના છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ અને જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ, ઉપલેટા અને દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
સુરતના ઓલપાડ અને પલસાણામાં 8.5 ઈંચ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડ અને પલસાણામાં 8.5 ઈંચ, મહુવામાં સાત ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઈંચ, દ્વારકા અને બારડોલીમાં 6 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
સવારથી મેઘરાજાએ ગુજરાતને ભીંજવી દીધું
સવારથી મેઘરાજાએ ગુજરાતને ભીંજવી દીધું છે. ત્યારે રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો છે. જીવાદોરી સમાન રસલા ડેમ ઓવરફ્લો થતાં નદીનાં પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દામોદર કુંડ અને સોનરખ નદીમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
જૂનાગઢમાં અવિરત વરસાદ
જૂનાગઢમાં અવિરત વરસાદને કારણે મેઘલનદીમાં પૂર આવ્યું છે. માળીયાહાટીનામા તેમજ ગીરમાં ભારે વરસાદ પડ્યો છે. પૂરના પાણીમાં 5 ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે. માળીયાહાટીનામાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘલ નદી, લાઠોદરિયા, પાંદરવામાં નવા નીર આવ્યા છે.