ભારતની અર્થવ્યવસ્થાની રેકોર્ડબ્રેક ગતિ: OECDએ વધાર્યો GDP ગ્રોથનો અંદાજ
India GDP Growth: ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે ચમકી! OECDએ 2025 માટે GDP ગ્રોથનો અંદાજ 6.3%થી વધારી 6.7% કર્યો. મજબૂત ઘરેલું માંગ અને GST સુધારાઓથી ભારતે અમેરિકા-ચીનને પાછળ છોડ્યા. વધુ જાણો આ ન્યૂઝમાં.
OECDના અંદાજ પ્રમાણે, 2025માં વૈશ્વિક આર્થિક વિકાસ 3.2% રહેશે, જે 2024ના 3.3%થી થોડો ઓછો છે. 2026 માટે આ અંદાજ 2.9% છે.
India GDP Growth: આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD)એ ભારતની અર્થવ્યવસ્થાની ગતિશીલ રફ્તાર પર મહોર મારી છે. 2025 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.3%થી વધારીને 6.7% કરવામાં આવ્યો છે, જે અમેરિકા અને ચીન જેવા દેશોની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ ભારતની મજબૂત ઘરેલું માંગ અને GST સુધારાઓ છે. OECDના જણાવ્યા અનુસાર, 2026માં ભારતનો ગ્રોથ રેટ 6.2% રહેવાની ધારણા છે, જે હજુ પણ વૈશ્વિક સ્તરે ઉચ્ચ છે.
એપ્રિલ-જૂન 2025ની ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP 7.8%ના દરે વધ્યો, જે છેલ્લી પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ છે. GST પરિષદે ખપતને પ્રોત્સાહન આપવા બે સ્લેબ (5% અને 18%)ની રચનાને મંજૂરી આપી છે, જેનાથી ઘરેલું ચીજવસ્તુઓ પર ટેક્સના દર ઘટશે. આ ઉપરાંત, સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સ માફીની જાહેરાત કરી છે, જે ગ્રાહકોની ખરીદ શક્તિને વધારશે.
નિકાસ પર ટેરિફની અસર, પરંતુ ઘરેલું માંગ બનશે ઢાલ
અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જે નિકાસ-લક્ષી ઉત્પાદનને પડકાર આપી શકે છે. S&P ગ્લોનલ રેટિંગ્સ અનુસાર, આ ટેરિફ ભારતની નિકાસ વૃદ્ધિને અસર કરશે. જોકે, ભારતની મજબૂત ઘરેલું માંગ આ નુકસાનને સરભર કરવામાં મદદ કરશે. ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં ઘટાડો, જે ઘરેલું પુરવઠા અને નિકાસ પ્રતિબંધોને કારણે થયો, તે પણ અર્થવ્યવસ્થાને ટેકો આપે છે.
વૈશ્વિક આર્થિક ચિત્ર
OECDના અંદાજ પ્રમાણે, 2025માં વૈશ્વિક આર્થિક વિકાસ 3.2% રહેશે, જે 2024ના 3.3%થી થોડો ઓછો છે. 2026 માટે આ અંદાજ 2.9% છે. ઊંચા ટેરિફ અને વેપાર અવરોધોને કારણે વૈશ્વિક વેપાર અને રોકાણ પર અસર પડવાની શક્યતા છે. OECDના પ્રમુખ મેથિયાસ કોર્મેનના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી નીતિગત અનિશ્ચિતતા વૈશ્વિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકા અને ચીનથી ઘણું આગળ ભારત
અમેરિકાનો GDP ગ્રોથ 2025માં 1.8% અને 2026માં 1.5% રહેવાનો અંદાજ છે, જ્યારે ચીનનો ગ્રોથ 2025માં 4.9% અને 2026માં 4.4% રહેશે. ભારતની તુલનામાં આ બંને દેશોની આર્થિક ગતિ ઘણી ધીમી છે. ભારતની મજબૂત નીતિઓ, ઘરેલું માંગ અને સુધારાઓએ તેને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અગ્રેસર રાખ્યું છે.