Russia-Ukraine War: સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાના 80માં સત્રની પૂર્વ સંધ્યાએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં મેલોનીએ જણાવ્યું કે, વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો, ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ, વચ્ચે મોદી એકમાત્ર એવા નેતા છે જે આ યુદ્ધ રોકવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, "ભારત વૈશ્વિક શાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે."
મેલોનીનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ નોબેલની આશાઓ પર એક પ્રકારનો જવાબ માનવામાં આવે છે. ટ્રમ્પે વારંવાર શાંતિ નોબેલની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ રશિયા-યુક્રેન અને હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં શાંતિ સ્થાપવામાં તેમના પ્રયાસો સફળ થયા નથી. બીજી તરફ, મેલોનીએ મોદીની રાજનૈતિક દૂરદર્શિતા અને વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત સ્થિતિની નોંધ લીધી.
આ મહિનાની શરૂઆતમાં મોદી અને મેલોની વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન સહિત દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ, ટેકનોલોજી, અને આતંકવાદ વિરોધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઈટાલીએ ભારતના શાંતિ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે મૂડી-રોકાણ, શિક્ષણ, અને અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ વધારવા પર પણ સહમતિ થઈ.
મોદીના 75માં જન્મદિવસ પર મેલોનીએ તેમને અભિનંદન પાઠવી, ભારતની પ્રગતિ અને વૈશ્વિક શાંતિ માટેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. આ ઘટના ભારત-ઈટાલી સંબંધોની મજબૂતી અને વૈશ્વિક શાંતિમાં ભારતની વધતી ભૂમિકાને દર્શાવે છે.