. વિદેશ મંત્રીએ કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ વાટાઘાટો ખૂબ જટિલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકન માલ પરના તમામ ટેરિફ દૂર કરવાની ઓફર કરી છે. દોહામાં આયોજિત એક બિઝનેસ કાર્યક્રમમાં યુએસ રાષ્ટ્રપતિએ આ વાત કહી. પરંતુ, ટ્રમ્પના દાવા અંગે ભારત તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. ટ્રમ્પે આ કાર્યક્રમમાં એમ પણ કહ્યું હતું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે અને ભારત ખૂબ સારું કરી રહ્યું છે.
બધુ નક્કી થયા પછી જ નિર્ણય લેવામાં આવશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ અંગે કરવામાં આવેલા દાવા બાદ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર તરફથી પણ એક મોટું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ વાટાઘાટો ખૂબ જટિલ છે. જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. કોઈપણ વેપાર સોદો પરસ્પર ફાયદાકારક હોવો જોઈએ અને બંને દેશોને તેનો લાભ મળવો જોઈએ. વેપાર સોદામાંથી આપણે આ જ અપેક્ષા રાખીએ છીએ. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી, આ અંગે કોઈ નિર્ણય લેવો ખૂબ જ વહેલો ગણાશે."
ટિમ કુકે આઇફોનના ઉત્પાદન અંગે મોટું નિવેદન આપ્યું
આઇફોન ઉત્પાદન અંગે ટ્રમ્પની ટિપ્પણી ટિમ કૂકના તે નિવેદનના લગભગ બે અઠવાડિયા પછી આવી છે જેમાં એપલના સીઈઓએ કહ્યું હતું કે, તેમની કંપનીએ ભારત સહિત ઘણા દેશોમાં રેકોર્ડ આવક નોંધાવી છે. કુકે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં અમેરિકામાં એપલ દ્વારા વેચાયેલા મોટાભાગના આઇફોન ભારતમાંથી આવશે જ્યારે કર દરો અંગે અનિશ્ચિતતા વચ્ચે ચીન અન્ય બજારો માટે આઇફોન સપ્લાયનો સૌથી મોટો હિસ્સો ધરાવતો રહેશે.
એપલે 2024માં યુએસમાં 75.9 મિલિયન આઇફોન વેચ્યા
રેટિંગ એજન્સી S&P ગ્લોબલના વિશ્લેષણ મુજબ, 2024 માં અમેરિકામાં Apple ના iPhone નું વેચાણ 75.9 મિલિયન યુનિટ હતું, જ્યારે માર્ચમાં ભારતમાંથી નિકાસ 31 લાખ યુનિટ હતી. તમને જણાવી દઈએ કે 2 એપ્રિલે ટ્રમ્પે ભારત અને ચીન સહિત ઘણા દેશો પર ઉચ્ચ આયાત શુલ્ક લાદવાની જાહેરાત કરી હતી. આ પછી, 9 એપ્રિલે, ટ્રમ્પે આ ઊંચા ટેરિફ દરો પર 90 દિવસ માટે રોક લગાવી દીધી. જોકે, ચીન અને હોંગકોંગ પર ઊંચા ટેરિફ ચાલુ રહ્યા. હવે અમેરિકા અને ચીન વચ્ચે આ ડ્યુટી ઘટાડવા અંગે પણ એક કરાર થયો છે.