સિક્કા અને નોટોની વાસ્તવિક કિંમત જાણો: 100, 200 અને 500 રૂપિયાની નોટો બનાવવા માટે સરકાર કેટલો ખર્ચ કરે છે?
Currency printing cost: શું તમે જાણો છો 100, 200 અને 500 રુપિયાની નોટ અને સિક્કા બનાવવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે? જાણો નોટ અને સિક્કાની બનાવટની અસલી કિંમત અને ડિજિટલ પેમેન્ટની અસર વિશેની રસપ્રદ માહિતી.
સિક્કાઓ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવે છે, જ્યારે નોટ છાપવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને સોંપવામાં આવે છે.
Currency printing cost: આજના ઝડપી ડિજિટલ યુગમાં પણ નોટ અને સિક્કા આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે. બજારમાં નાની-મોટી ખરીદી માટે આપણે હજુ પણ 100, 200 કે 500 રુપિયાની નોટ અને સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નોટ અને સિક્કા બનાવવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે? એક આરટીઆઈ દ્વારા સામે આવેલી માહિતી અનુસાર, સિક્કા બનાવવાની કિંમત કેટલીકવાર તેની ફેસ વેલ્યૂથી પણ વધી જાય છે.
સિક્કા બનાવવાનો ખર્ચ
એક રિપોર્ટ અનુસાર, 1 રુપિયાનો સિક્કો બનાવવામાં સરકારને 1.11 રુપિયા ખર્ચ થાય છે. એટલે કે, સિક્કાની મૂળ કિંમત કરતાં બનાવટનો ખર્ચ વધુ છે. આ જ રીતે, 2 રુપિયાનો સિક્કો 1.28 રુપિયા, 5 રુપિયાનો સિક્કો 3.69 રુપિયા અને 10 રુપિયાનો સિક્કો 5.54 રુપિયામાં બને છે. આ સિક્કાઓ મુંબઈ અને હૈદરાબાદની સરકારી ટંકશાળમાં બનાવવામાં આવે છે.
નોટ છાપવાની જવાબદારી
સિક્કાઓ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવે છે, જ્યારે નોટ છાપવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને સોંપવામાં આવે છે. આ માટે RBI તેની સહાયક કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL) અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) દ્વારા દેશભરમાં કરન્સી પ્રેસ ચલાવે છે.
નોટ છાપવાનો ખર્ચ
નોટ છાપવાની કિંમત પણ ઓછી નથી. ઉદાહરણ તરીકે, 10 રુપિયાની નોટ છાપવામાં 0.96 રુપિયા, 100 રુપિયાની નોટમાં 1.77 રુપિયા, 200 રુપિયાની નોટમાં 2.37 રુપિયા અને 500 રુપિયાની નોટમાં 2.29 રુપિયા ખર્ચ થાય છે.
ડિજિટલ પેમેન્ટની અસર
નિષ્ણાતોનું માનવું છે કે કાચા માલ અને શાહીની કિંમતોના કારણે નોટ અને સિક્કા બનાવવાનો ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે. જોકે, UPI અને ડિજિટલ વૉલેટના વધતા ઉપયોગને કારણે નોટ અને સિક્કાની માંગ ઘટી રહી છે. ઉદાહરણ તરીકે, 2017માં 90.3 કરોડ 1 રુપિયાના સિક્કા બનાવવામાં આવ્યા હતા, જે 2018માં ઘટીને 63 કરોડ થઈ ગયા.
ભલે ડિજિટલ પેમેન્ટે નાણાંની બનાવટની માંગ ઘટાડી હોય, પરંતુ નોટ અને સિક્કા હજુ પણ આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આગામી વર્ષોમાં બદલાતી ટેકનોલોજી અને મોંઘવારીની અસરથી આ ખર્ચમાં વધારો થઈ શકે છે.