સપનાનું શહેર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી શકે છે. હકીકતમાં, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની અને ફક્ત CNG અને ઇલેક્ટ્રિક વાહનોને મંજૂરી આપવાની શક્યતા શોધવા માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. 22 જાન્યુઆરીના રોજ સરકારી ઠરાવ (GR) મુજબ, નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની આગેવાની હેઠળની સમિતિ અભ્યાસ કરશે અને ત્રણ મહિનાની અંદર તેની ભલામણો સાથેનો અહેવાલ રજૂ કરશે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર, મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક), મહાનગર ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહાવિતરન)ના પ્રોજેક્ટ મેનેજર, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના પ્રમુખ અને જોઈન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર ( અમલીકરણ -1) સમિતિના બીજા સભ્ય સચિવ છે.