પૂનમ ગુપ્તાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં ડેપ્યુટી ગવર્નર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. પૂનમ ગુપ્તા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ અને વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ ટાઈમ સભ્ય છે. તેઓ વિશ્વ બેંકમાં ભારત માટે મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યા છે. ગુપ્તાને ડૉ. માઈકલ દેબબ્રત પાત્રાના સ્થાને RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાત્રા 14 જાન્યુઆરી, 2025ના રોજ સેન્ટ્રલ બેંકમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
ગુપ્તાનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે. RBIમાં કુલ 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. આમાંથી 2ને તેમના પદ પરથી બઢતી આપવામાં આવી છે. એક કોમર્શિયલ બેંકિંગ બેકગ્રાઉન્ડમાંથી હોય છે, જ્યારે અન્ય અર્થશાસ્ત્રી હોય છે. હાલમાં, RBIના બાકીના 3 ડેપ્યુટી ગવર્નર રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જાનકીરમન છે.
ગુપ્તાએ 2013 થી 2021 સુધી વિશ્વ બેંકમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. આ પહેલા, તેમણે NIPF (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ) ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ચેર પ્રોફેસર, ICRIER ખાતે મેક્રોઇકોનોમિક્સના પ્રોફેસર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં અર્થશાસ્ત્રી પણ રહ્યા છે, જ્યાં તેમણે એશિયા પેસિફિક વિભાગ, યુરોપિયન વિભાગ અને સંશોધન વિભાગમાં પણ કામ કર્યું હતું.