Trump Tariffs: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ખાણી-પીણીની વસ્તુઓ માટે ટેરફિ પાછો ખેંચી લીધો છે. અમેરિકન ગ્રાહકો માટે કરિયાણાના ભાવમાં વધારો થવાની ચિંતાઓ બાદ ટ્રમ્પનું આ પગલું આવ્યું છે. આ નવી છૂટ ગુરુવારે મધ્યરાત્રિથી અમલમાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પ લાંબા સમયથી આગ્રહ રાખતા આવ્યા છે કે આ વર્ષની શરૂઆતમાં તેમણે લાદેલા ટેરિફ યુએસમાં ફુગાવાને વેગ આપતા નથી. ટ્રમ્પે દરેક દેશથી આયાત પર 10% બેઝ ટેરિફ લાદીને વૈશ્વિક વેપાર પ્રણાલીને વિક્ષેપિત કરી છે અને ઘણા દેશો પર વિવિધ વધારાના ટેરિફ પણ લાદ્યા છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે ફ્રેમવર્ક ટ્રેડ ડીલ્સની જાહેરાત કરી હતી. એકવાર અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી, આર્જેન્ટિના, એક્વાડોર, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરથી અમેરિકામાં થતી ચોક્કસ ખાદ્ય ઉત્પાદનો અને અન્ય આયાત પર ટેરિફ દૂર કરવામાં આવશે. યુએસ અધિકારીઓ વર્ષના અંત પહેલા વધારાના કરારો પર વિચાર કરી રહ્યા છે.
ટેરિફમાંથી દૂર કરવામાં આવી રહેલી વસ્તુઓમાં એવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે અમેરિકન ગ્રાહકો તેમના પરિવારોનું પેટ ભરવા માટે નિયમિતપણે ખરીદે છે. આમાંના ઘણા ઉત્પાદનોના ભાવમાં વર્ષ-દર-વર્ષે બે આંકડામાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર માટે ઉપલબ્ધ રિટેલ ફુગાવાના ડેટા અનુસાર, ગ્રાઉન્ડ બીફ લગભગ 13% મોંઘુ હતું, અને સ્ટીકના ભાવ એક વર્ષ પહેલા કરતા લગભગ 17% વધારે હતા. કેળાના ભાવ લગભગ 7% વધારે હતા, જ્યારે ટામેટાં 1% વધારે હતા. સપ્ટેમ્બરમાં ઘરે ખાવામાં આવતા ખોરાકની કુલ કિંમત 2.7% વધી હતી.
અમેરિકન ગ્રાહકો કરિયાણાના ઊંચા ભાવથી હતાશ છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે આ આંશિક રીતે આયાત જકાતને કારણે છે, અને આવતા વર્ષે કિંમતો વધુ વધી શકે છે કારણ કે કંપનીઓ આયાત જકાતનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ કરશે.