ભારત પર ભારે આયાત શુલ્ક (ટેરિફ) લગાવીને ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના અંગત સંબંધોને "ખૂબ સારા" ગણાવ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.
એક તાજેતરના નિવેદનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ભારત અને વડાપ્રધાન મોદીની ખૂબ નજીક છું. મેં હમણાં જ તેમની સાથે વાત કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે.' ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ટેરિફને લઈને ગંભીર તણાવ ચાલી રહ્યો છે.
આ પહેલા, વડાપ્રધાન મોદીએ તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, 'તમારી જેમ, હું પણ ભારત-યુએસ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તમારી પહેલને સમર્થન આપીએ છીએ.'
તાજેતરમાં જ બંને પક્ષોના વાટાઘાટકારો વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી, જેને અમેરિકાએ "સકારાત્મક" ગણાવી હતી. આ બેઠકને બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ ટેરિફ વધારાને કારણે ઓગસ્ટમાં યોજાનારો છઠ્ઠો રાઉન્ડ મુલતવી રાખવામાં આવ્યો હતો.