કેન્દ્રીય કર્મચારીઓ માટે 8માં પગાર પંચને લઈને મોટા સમાચાર. NC-JCM એ લઘુત્તમ પગાર 69,000 કરવા અને 3.833 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા સરકાર સમક્ષ નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ફિટમેન્ટ ફેક્ટર એ એવી ગણતરી છે જેનાથી તમામ સ્તરના કર્મચારીઓનો બેઝિક પગાર એકસમાન રીતે વધે છે. અગાઉ 7માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું.
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8માં પગાર પંચને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) એ સરકાર સમક્ષ એક એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે જો સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. આ પ્રસ્તાવમાં લઘુત્તમ પગારથી લઈને પરિવારની વ્યાખ્યા સુધીના ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
પરિવારના 3 ને બદલે 5 સભ્યો ગણવા માંગ
અત્યાર સુધી સરકાર પરિવારના 3 યુનિટને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પગાર નક્કી કરે છે. પરંતુ NC-JCMનું કહેવું છે કે આ ગણતરી વ્યવહારુ નથી. સંગઠને માંગ કરી છે કે હવેથી પરિવારને 5 યુનિટ માનવામાં આવે.
કર્મચારી અને જીવનસાથી: 1-1 યુનિટ (કુલ 2)
બે બાળકો: 0.8-0.8 યુનિટ (કુલ 1.6)
માતા-પિતા: 0.8 યુનિટ
આમ કુલ 5.2 યુનિટ થાય છે, જેને રાઉન્ડ ઓફ કરીને 5 યુનિટ ગણવાની માંગ કરવામાં આવી છે. આ માટે કર્મચારી સંગઠનોએ 'મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એક્ટ' નો હવાલો પણ આપ્યો છે.
લઘુત્તમ પગાર 69,000 સુધી પહોંચી શકે
NC-JCM એ સૂચવ્યું છે કે 8માં પગાર પંચમાં 3.833 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય, તો અત્યારે જે કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 છે, તે વધીને સીધો 69,000 સુધી પહોંચી શકે છે. આ ગણતરીમાં ખોરાક, કપડાં, ઘરનું ભાડું (7.5%), ઈંધણ (20%), વીજળી-પાણી અને બાળકોના શિક્ષણ જેવા ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
પગારમાં અન્ય કયા ફેરફારો સૂચવાયા?
વાર્ષિક ઈન્ક્રીમેન્ટ: હાલમાં વાર્ષિક પગાર વધારો 3% છે, જેને વધારીને 6% કરવાની માંગ કરાઈ છે.
પે સ્કેલ મર્જર: પગારના માળખાને સરળ બનાવવા માટે અલગ-અલગ પે-સ્કેલને મર્જ કરવાનું સૂચન અપાયું છે.
મોંઘવારી ભથ્થું (DA): અત્યારે DA ની ગણતરી 12 મહિનાના સરેરાશના આધારે થાય છે, તેને બદલે 6 મહિનાની સરેરાશ ધ્યાનમાં લેવાની માંગ કરવામાં આવી છે.
DA અને ફિટમેન્ટ ફેક્ટરની અસર
ફિટમેન્ટ ફેક્ટર એ એવી ગણતરી છે જેનાથી તમામ સ્તરના કર્મચારીઓનો બેઝિક પગાર એકસમાન રીતે વધે છે. અગાઉ 7માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું. નિષ્ણાતોના મતે, જો બેઝિક પગાર વધશે તો તેની સીધી અસર મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકોના મોંઘવારી રાહત પર પણ પડશે, કારણ કે તેની ગણતરી બેઝિક સેલરીના ટકાવારી મુજબ થાય છે.
સંગઠને એવી પણ માંગ કરી છે કે જ્યારે DA 25% થી વધી જાય, ત્યારે તેને બેઝિક પેમાં જોડી દેવામાં આવે. સાથે જ, DAની ગણતરીમાં પોઈન્ટ પછીના આંકડાને રાઉન્ડ ઓફ કરવાને બદલે પૂરેપૂરા ગણવામાં આવે.