IRCTCની વેબસાઈટનું 87% સ્ટેટિક કન્ટેન્ટ હવે Content Delivery Network (CDN) દ્વારા સર્વ થાય છે, જેનાથી વેબસાઈટ ઝડપથી લોડ થાય છે અને સર્વર પર લોડ ઘટે છે.
ભારતીય રેલવે અને IRCTCએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ફ્રોડ રોકવા માટે મોટું પગલું ભર્યું છે. રેલવે મંત્રાલયે 2.5 કરોડ ફેક IDs બ્લોક કરી દીધા છે, જેના કારણે ટિકિટ બુકિંગની પ્રક્રિયા હવે વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ ફેક અકાઉન્ટ્સનો ઉપયોગ ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ સીટો બુક કરવા અને પેમેન્ટ ગેટવે ક્રેશ કરાવવા માટે થતો હતો.
શું હતી સમસ્યા?
ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થતાંની સાથે જ થોડી સેકન્ડમાં સીટો ફુલ થઈ જવી કે તત્કાલ બુકિંગ દરમિયાન પેમેન્ટ ગેટવે ક્રેશ થઈ જવું, આવી સમસ્યાઓ રેલ યાત્રીઓને નિયમિત રીતે સામનો કરવો પડતો હતો. આનું મુખ્ય કારણ હતું બોટ અકાઉન્ટ્સ અને ફેક IDs, જેનો ઉપયોગ જાણકારો દ્વારા ટિકિટો ઝડપથી બુક કરવા માટે થતો હતો. આવા અકાઉન્ટ્સ એજન્ટો અને સોફ્ટવેર દ્વારા સંચાલિત થતા હતા, જે સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવીને ટિકિટો બુક કરી લેતા હતા.
રેલવેનું એક્શન: 2.5 કરોડ ફેક IDs બ્લોક
રેલવે મંત્રાલય અને IRCTCએ આ જાણકારો પર કડક કાર્યવાહી કરીને 2.5 કરોડ ફેક IDs બ્લોક કરી દીધા છે. આ પગલાંથી હવે માત્ર વેરિફાઈડ અને ઓથેન્ટિક યુઝર્સ જ ટિકિટ બુક કરી શકશે. આ ઉપરાંત, રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે સતત કામ કરી રહી છે.
નવા નિયમો: આધાર વેરિફિકેશનનું મહત્વ
રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે જે યુઝર્સનું આધાર વેરિફિકેશન નથી થયું, તેઓ રજિસ્ટ્રેશનના ત્રણ દિવસ પછી જ તત્કાલ, પ્રીમિયમ તત્કાલ કે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) ટિકિટ બુક કરી શકશે. જ્યારે આધાર વેરિફાઈડ યુઝર્સને તાત્કાલિક બુકિંગની સુવિધા મળશે. આ નવા નિયમો ફ્રોડ રોકવા અને યાત્રીઓની સુવિધા વધારવા માટે લાગુ કરવામાં આવ્યા છે.
આંકડાઓ શું કહે છે?
ડેલી લોગિન: નાણાકીય વર્ષ 2023-24માં રોનજાના 69.08 લાખ લોગિનની સરખામણીએ 2024-25માં 82.57 લાખ લોગિન થયા, એટલે કે 19.53%નો વધારો.
ઓનલાઈન બુકિંગ: હવે કુલ રિઝર્વ્ડ ટિકિટોમાંથી 86.38% ઓનલાઈન બુક થઈ રહી છે.
ટેક્નોલોજીનો ઉપયોગ
IRCTCની વેબસાઈટનું 87% સ્ટેટિક કન્ટેન્ટ હવે Content Delivery Network (CDN) દ્વારા સર્વ થાય છે, જેનાથી વેબસાઈટ ઝડપથી લોડ થાય છે અને સર્વર પર લોડ ઘટે છે. આ ઉપરાંત, AI-આધારિત સિસ્ટમ બોટ ટ્રાફિકને ઓળખીને તેને તાત્કાલિક બ્લોક કરે છે. સંદિગ્ધ યુઝર્સની ઓળખ કરીને તેમના અકાઉન્ટ ડિએક્ટિવેટ કરવામાં આવે છે. સાથે જ, સાયબર ક્રાઈમ પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
યાત્રીઓ માટે શું ફાયદો?
આ એક્શનથી ઓનલાઈન ટિકિટ બુકિંગ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય બનશે. ફેક IDs બ્લોક થવાથી ટિકિટોની ઉપલબ્ધતા વધશે, અને યાત્રીઓને તત્કાલ કે એડવાન્સ બુકિંગમાં ઓછી અડચણોનો સામનો કરવો પડશે.