નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર! EPFOએ બદલ્યા PF ઉપાડવાના નિયમો, હવે 75% રકમ તરત મળશે
EPFO new rules 2026: નોકરીયાત વર્ગ માટે EPFO ના નવા નિયમો 2026. હવે ઇમરજન્સીમાં કે નોકરી છૂટવા પર PF એકાઉન્ટમાંથી 75% રકમ આસાનીથી ઉપાડી શકાશે. જાણો 1 વર્ષની નોકરી પછી PF ઉપાડવાની સરળ પ્રોસેસ.
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એ પીએફ ઉપાડવાના નિયમોને અત્યાર સુધીના સૌથી સરળ બનાવી દીધા છે. જો તમારી નોકરી છૂટી જાય છે અથવા અચાનક પૈસાની જરૂર પડે છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી.
EPFO new rules 2026: પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ નોકરીયાત લોકો માટે માત્ર નિવૃત્તિ (રિટાયરમેન્ટ) નો સહારો નથી, પણ અચાનક આવી પડતી આર્થિક મુશ્કેલીઓમાં કામ આવતી સૌથી મોટી બચત છે. વર્ષ 2026ના લેટેસ્ટ અપડેટ મુજબ, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એ પીએફ ઉપાડવાના નિયમોને અત્યાર સુધીના સૌથી સરળ બનાવી દીધા છે. જો તમારી નોકરી છૂટી જાય છે અથવા અચાનક પૈસાની જરૂર પડે છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી.
આવો જાણીએ EPFO ના આ નવા અને સરળ નિયમો વિશે:
13 નિયમો નાબૂદ, હવે માત્ર 3 કેટેગરી
પહેલા પીએફ એકાઉન્ટમાંથી આંશિક રકમ ઉપાડવા માટે 13 અલગ-અલગ જોગવાઈઓ અને અટપટા નિયમો હતા. હવે સરકારે આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવીને તેને માત્ર 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી દીધી છે:
પહેલી કેટેગરી: બીમારીની સારવાર, બાળકોનો અભ્યાસ અને લગ્ન પાછળ થતો ખર્ચ.
બીજી કેટેગરી: નવું ઘર ખરીદવું, જૂના ઘરનું રિપેરિંગ કરાવવું અથવા હાઉસિંગ લોનના હપ્તા ચૂકવવા.
ત્રીજી કેટેગરી: ખાસ અને ઇમરજન્સી પરિસ્થિતિઓ. આ કેટેગરીની સૌથી મોટી વાત એ છે કે આમાં પૈસા ઉપાડવા માટે તમારે કોઈ જ કારણ આપવાની કે કોઈ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નહીં પડે.
માત્ર 1 વર્ષની નોકરી પછી ઉપાડી શકાશે પૈસા
જૂના નિયમો પ્રમાણે પીએફ ઉપાડવા માટે નોકરીના વર્ષોની શરત બહુ કડક હતી. અમુક કારણોસર પૈસા ઉપાડવા માટે 3 થી 7 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ નવા નિયમ મુજબ, હવે તમામ કેટેગરી માટે નોકરીનો સમયગાળો ઘટાડીને માત્ર 12 મહિના કરી દેવામાં આવ્યો છે. એટલે કે, જો તમે સતત 1 વર્ષ નોકરી કરી લીધી છે, તો તમે પીએફ ઉપાડવા માટે અરજી કરી શકો છો.
હવે કંપનીનો હિસ્સો પણ ગણાશે
નવા માળખામાં એક મોટો ફાયદો એ થયો છે કે, હવે તમે કેટલી રકમ ઉપાડી શકશો તેની ગણતરી માત્ર તમારા પગારમાંથી કપાતા પીએફ પૂરતી મર્યાદિત નહીં રહે. હવે તેમાં તમારી કંપની દ્વારા જમા કરવામાં આવેલો હિસ્સો અને અત્યાર સુધી મળેલું વ્યાજ પણ ઉમેરવામાં આવશે. જેના કારણે તમને પહેલા કરતા ઘણી વધારે રકમ હાથમાં મળશે.
ખાતામાંથી 75% રકમ ઉપાડવાની છૂટ
લેટેસ્ટ નિયમો અનુસાર, હવે કોઈપણ પીએફ ખાતાધારક જરૂર પડ્યે તેના ખાતાની કુલ જમા રકમના 75% સુધીનો હિસ્સો ઉપાડી શકે છે. નોકરી છૂટી જવાના કિસ્સામાં આ નિયમ સંકટમોચન સાબિત થશે. ખાસ પરિસ્થિતિઓમાં આ 75% રકમ ઉપાડવા માટે કોઈ લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડશે નહીં. જોકે, આ રકમ કેટલી મળશે તે તમારા એકાઉન્ટના બેલેન્સ અને તમે કઈ કેટેગરીમાં અરજી કરો છો તેના પર નિર્ભર રહેશે.
25% રકમ નિવૃત્તિ માટે સુરક્ષિત રહેશે
EPFO એ પૈસા ઉપાડવાનું સરળ તો બનાવ્યું છે, પણ સાથે જ તમારા ભવિષ્યની પણ ચિંતા કરી છે. નવા નિયમ મુજબ, ખાતામાં તમારું જે કુલ યોગદાન છે તેના ઓછામાં ઓછા 25% પૈસા એકાઉન્ટમાં જમા રાખવા ફરજિયાત છે. આનો સીધો હેતુ એ છે કે, વારંવાર પૈસા ઉપાડવાના ચક્કરમાં તમારું રિટાયરમેન્ટ ફંડ સાવ ખાલી ન થઈ જાય અને વૃદ્ધાવસ્થા માટે થોડી બચત સચવાઈ રહે.
ટૂંકમાં, વર્ષ 2026માં EPFOના આ નવા નિયમોએ નોકરીયાત વર્ગને મોટી રાહત આપી છે, જેથી તેઓ પોતાના જ હકના પૈસા કોઈ પણ ધક્કા ખાધા વગર મુશ્કેલીના સમયે સરળતાથી મેળવી શકે.