ઓછી જમીનમાં વધુ કમાણી કેવી રીતે કરવી? મહારાષ્ટ્રના ખેડૂત અર્જુન સાબળે પોલીહાઉસમાં ફૂલોની ખેતી કરીને રોજના 12,000 થી વધુ કમાય છે. જાણો આધુનિક ખેતીની આ શાનદાર રીત.
BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરતા સમયે અર્જુનને અલગ-અલગ ખેતરોની મુલાકાત લેવાની તક મળી. ત્યાં તેમણે પોલીહાઉસમાં થતી ફૂલોની ખેતી જોઈ. વાતાવરણને નિયંત્રિત રાખીને ગુલાબ ઉગાડવાની આ રીત તેમને ખૂબ ગમી ગઈ.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખેતીમાં લાખો રૂપિયા કમાવવા માટે મોટી જમીન હોવી જરૂરી છે. પરંતુ, જો યોગ્ય પાક અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવે તો નાની જમીનમાંથી પણ જબરદસ્ત કમાણી કરી શકાય છે. મહારાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂત અર્જુન સાબળેએ પોતાની કોઠાસૂઝ અને મહેનતથી આ વાતને સો ટકા સાચી સાબિત કરી બતાવી છે.
પરંપરાગત ખેતીથી આધુનિક ખેતી તરફની સફર
અર્જુનનો પરિવાર પેઢીઓથી ગલગોટા અને સેવંતી જેવા પરંપરાગત ફૂલોની ખેતી કરતો હતો. આ ફૂલો મુંબઈના બજારોમાં વેચાતા હતા. પરંતુ સમય જતા બજારમાં હરીફાઈ વધી અને ફૂલોના ભાવ ઘટવા લાગ્યા. મહેનત વધવા છતાં આવકમાં કોઈ ખાસ વધારો થતો ન હતો. આ જ સમયે અર્જુને ખેતીમાં કોઈ નવો રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો.
અભ્યાસ દરમિયાન મળ્યો નવો આઈડિયા
BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરતા સમયે અર્જુનને અલગ-અલગ ખેતરોની મુલાકાત લેવાની તક મળી. ત્યાં તેમણે પોલીહાઉસમાં થતી ફૂલોની ખેતી જોઈ. વાતાવરણને નિયંત્રિત રાખીને ગુલાબ ઉગાડવાની આ રીત તેમને ખૂબ ગમી ગઈ. તેમણે મોટા રોકાણને બદલે નાના પાયે પ્રયોગ કરવાનું નક્કી કર્યું.
માત્ર 10 ગુંઠા જમીનથી કરી શરૂઆત
અર્જુને શરૂઆતમાં માત્ર 10 ગુંઠા જમીનમાં ગુલાબની ખેતી શરૂ કરી. તેમણે બેંગલુરુના એક ખેડૂત પાસેથી 8,000 રૂપિયાના રોપા ખરીદીને વાવેતર કર્યું. 6 મહિના પછી રોજિંદા 500 ગુલાબનું ઉત્પાદન શરૂ થયું. સ્થાનિક બજારમાં એક ગુલાબ 5 રૂપિયામાં વેચાવા લાગ્યું, જેનાથી તેમને રોજની 2,500 રૂપિયાની આવક થવા લાગી. આ નાનકડી સફળતાએ તેમનો ઉત્સાહ વધાર્યો.
આજે 1 એકરમાંથી થાય છે લાખોની કમાણી
શરૂઆતની સફળતા બાદ અર્જુને ગુલાબની સાથે જરબેરા ફૂલની ખેતી પણ શરૂ કરી દીધી. આજે તેમની કમાણી અને ખેતીનો વ્યાપ ઘણો મોટો છે. તેઓ 1 એકર જમીનમાં 16,000 ગુલાબ અને 16,000 જરબેરાના છોડ ધરાવે છે.ખેતરમાંથી દરરોજ 1,000 ગુલાબ અને 2,000 જરબેરા સ્ટીકનું ઉત્પાદન થાય છે.બજારમાં 5 રૂપિયા પ્રતિ ગુલાબ અને 4 રૂપિયા પ્રતિ જરબેરાના ભાવે વેચાણ થાય છે.
આ ગણતરી મુજબ તેઓ રોજના 12,000 થી 13,000 રૂપિયાની કમાણી કરે છે, જે મહિનાના અંતે અંદાજે 2.5 લાખ રૂપિયાનો નફો આપે છે.
પોલીહાઉસ ટેકનોલોજીનો કમાલ
અર્જુને પોતાના ખેતરમાં નેચરલી વેન્ટિલેટેડ પોલીહાઉસ બનાવ્યું છે. તેમનું પહેલું 10,000 સ્ક્વેર ફૂટનું પોલીહાઉસ આશરે 3 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતું. ગુલાબ અને જરબેરાના છોડ 5 થી 7 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે, જેથી એકવાર કરેલા રોકાણનો લાંબા સમય સુધી ફાયદો મળે છે. સિંચાઈ માટે ડ્રિપ અને માઇક્રો સ્પ્રિંકલરનો ઉપયોગ થાય છે.
દેશના મોટા શહેરોમાં પહોંચે છે ફૂલો
આજે અર્જુન વચેટિયાઓ વિના પોતાના ફૂલો સીધા સ્ટોલ અને હોલસેલ માર્કેટમાં વેચે છે. માંગ અનુસાર તેમના ફૂલો બેંગલુરુ, વડોદરા, અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈ જેવા મોટા શહેરો સુધી પહોંચે છે.