EPS Pension Rules: સરકારનો મોટો નિર્ણય, EPF અને EPSની વેજ સીલિંગ વધીને 25000 થઈ, જાણો તમને શું ફાયદો થશે? | Moneycontrol Gujarati
Get App

EPS Pension Rules: સરકારનો મોટો નિર્ણય, EPF અને EPSની વેજ સીલિંગ વધીને 25000 થઈ, જાણો તમને શું ફાયદો થશે?

કેન્દ્ર સરકારે EPF અને EPSની વેજ સીલિંગ 15000 થી વધારીને 25000 કરી છે. જાણો આ નવા નિયમથી નોકરીયાત લોકોને શું ફાયદો થશે અને પેન્શનની ગણતરી કેવી રીતે થશે.

અપડેટેડ 03:18:30 PM Oct 06, 2026 પર
Story continues below Advertisement
જો તમારો માસિક પગાર 25000 કે તેથી ઓછો છે, તો તમારે EPS માં જોડાવું પૂરેપૂરું ફરજિયાત છે. નિયમ મુજબ તમારી કંપનીએ તમારા પેન્શન ખાતામાં તેમનો હિસ્સો જમા કરાવવો જ પડશે.

EPS Pension Rules: કેન્દ્ર સરકારે નોકરીયાત વર્ગના હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ માટેની વેજ સીલિંગ હવે 15000થી વધારીને 25000 પ્રતિ માસ કરી દેવામાં આવી છે. આ મહત્વના ફેરફારથી દેશના લાખો કર્મચારીઓની સામાજિક સુરક્ષા અને રિટાયરમેન્ટ ફંડમાં મોટો વધારો થશે.

નવા નિયમ મુજબ, જે કર્મચારીઓનો માસિક પગાર (બેસિક પે + મોંઘવારી ભથ્થું) 25000 સુધી છે, તેમને હવે ફરજિયાતપણે EPF, કર્મચારી પેન્શન યોજના અને વીમા યોજનાનો લાભ મળશે. કંપનીઓ માટે પણ કર્મચારીના EPS ફંડમાં પોતાનો હિસ્સો જમા કરાવવો ફરજિયાત બની ગયો છે.

કોના માટે EPS ફરજિયાત છે અને કોના માટે નહીં?

25000 કે તેથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ

જો તમારો માસિક પગાર 25000 કે તેથી ઓછો છે, તો તમારે EPS માં જોડાવું પૂરેપૂરું ફરજિયાત છે. નિયમ મુજબ તમારી કંપનીએ તમારા પેન્શન ખાતામાં તેમનો હિસ્સો જમા કરાવવો જ પડશે.


25000 થી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ

જો તમારો પગાર આ મર્યાદા કરતા વધારે છે, તો બે પરિસ્થિતિ ઉભી થાય છે.

જો તમે પહેલેથી જ EPS ના મેમ્બર છો, તો તમારી મેમ્બરશિપ ચાલુ રહેશે અને કંપનીએ પેન્શન ફંડમાં પૈસા જમા કરાવવા પડશે. જો તમે નવી નોકરી શરૂ કરી છે, તમારો પગાર 25000 થી વધુ છે અને તમે અગાઉ EPS ના મેમ્બર ન હતા, તો તમારા માટે આ સ્કીમમાં જોડાવું ફરજિયાત નથી.

પગારમાંથી EPS ફંડ ખોટી રીતે કપાય તો શું કરવું?

દરેક કર્મચારીએ પોતાની સેલરી સ્લિપ અને PF પાસબુક નિયમિત ચેક કરતા રહેવું જોઈએ. જો કોઈ ગરબડ જણાય તો નીચે મુજબ પગલાં ભરી શકાય. જો તમે પાત્ર છો છતાં પૈસા નથી કપાતા: સૌથી પહેલા તમારી કંપનીના HR અથવા પેરોલ વિભાગનો સંપર્ક કરો. જો ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળે, તો તમે EPFOના સત્તાવાર પોર્ટલ EPFiGMS પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો. નવા નિયમો મુજબ જો તમે EPS માટે પાત્ર નથી અને છતાં તમારા પગારમાંથી પેન્શન ફંડ કપાઈ રહ્યું છે, તો તરત જ કંપનીને જાણ કરો. જો કંપની ભૂલ ન સુધારે તો EPFiGMS પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો.

તમારા પેન્શનની ગણતરી કેવી રીતે થશે?

રિટાયરમેન્ટ વખતે તમને કેટલું પેન્શન મળશે, તેની ગણતરી એક સરળ ફોર્મ્યુલા દ્વારા કરવામાં આવે છે.

EPS પેન્શન = [પેન્શન પાત્ર પગાર (છેલ્લા 60 મહિનાની સરેરાશ) × પેન્શન પાત્ર નોકરીના વર્ષો] / 70

પેન્શન પાત્ર પગાર: રિટાયરમેન્ટ પહેલાના છેલ્લા 60 મહિનાના બેસિક પગાર અને DAની સરેરાશ.

નોકરીના વર્ષો: તમે જેટલા વર્ષ નોકરી કરીને EPS માં ફાળો આપ્યો છે તે સમયગાળો.

વેજ સીલિંગ વધવાથી કર્મચારીઓને થતા મુખ્ય ફાયદા

જે કર્મચારીઓનો પગાર 15000 થી 25000 ની વચ્ચે છે, અત્યાર સુધી તેમના ફંડમાં 15000 ની મર્યાદા મુજબ પૈસા જમા થતા હતા. હવે આ મર્યાદા વધવાથી તેમના ખાતામાં વધુ પૈસા જમા થશે અને રિટાયરમેન્ટ ફંડ ઝડપથી વધશે. oધારો કે, કોઈ યુવાન 20000 ના પગારથી નવી નોકરી શરૂ કરે છે. જૂના નિયમ મુજબ તેને PF કે પેન્શનનો લાભ મળતો ન હતો. પરંતુ હવે નવા નિયમથી તે સીધો જ EPF, EPS અને EDLI ના સુરક્ષા કવચ હેઠળ આવી જશે.

આ પણ વાંચો-રિઝર્વ બેંક 7 ઓક્ટોબરે વધારી શકે છે વ્યાજદર: શું તમારી હોમ લોન અને કાર લોન થશે મોંઘી? જાણો નિષ્ણાતોનો મત

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2026 3:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.