EPFO: આ વર્ષના બજેટમાં કરોડો EPFO સબસ્ક્રાઇબર્સને સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EPFO સબ્સ્ક્રાઇબર્સનું મિનિમમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરી શકાય છે. પેન્શનરોના એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને મળીને મિનિમમ માસિક પેન્શનમાં વધારો કરવાની માંગ કરી હતી. નાણામંત્રીએ તેમની માંગણી પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં, 10 જાન્યુઆરીએ, EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિએ સીતારમણ સાથે મુલાકાત કરી હતી. અગાઉ, મજૂર સંગઠનોએ પણ સીતારમણ સાથે બેઠક યોજી હતી. તેમણે નાણામંત્રી પાસે EPFO હેઠળ મિનિમમ પેન્શનમાં પાંચ ગણો વધારો કરવા, આઠમા પગાર પંચની તાત્કાલિક રચના કરવા અને અતિ ધનિકો પર વધુ ટેક્સ લાદવાની માંગ કરી હતી. પરંતુ EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિએ 5,000 રૂપિયાના પેન્શનને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે તે મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતું નથી. રિપોર્ટ અનુસાર, સમિતિએ દાવો કર્યો હતો કે સરકારે 2024 માં મિનિમમ માસિક પેન્શન 1000 રૂપિયા કર્યું હતું પરંતુ ઘણા પેન્શનરોને હજુ પણ આનાથી ઓછું પેન્શન મળી રહ્યું છે.