પેન્શનરો માટે ખુશખબર: હવે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા ફ્રીમાં થશે કામ!
EPFO news: EPFO એ પેન્શનરો માટે મોટી રાહત આપી છે. હવે તમે પોસ્ટમેનની મદદથી ઘરે બેઠા ફ્રીમાં તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશો. જાણો આ સુવિધાનો લાભ કેવી રીતે લેવો અને કયા નંબર પર કોલ કરવો.
સામાન્ય રીતે આવી સેવાઓ માટે ચાર્જ લેવામાં આવતો હોય છે, પરંતુ EPFO એ આ સેવા પેન્શનરો માટે બિલકુલ ફ્રી રાખી છે.
EPFO news: જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ પેન્શન મેળવે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વૃદ્ધ પેન્શનરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઘણીવાર ઉંમરના કારણે અથવા બીમારીના કારણે પેન્શનરોને બેંક કે EPFO ઓફિસ સુધી જવામાં તકલીફ પડતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે EPFO એ હવે 'ડોરસ્ટેપ સર્વિસ' એટલે કે ઘરે બેઠા સેવા શરૂ કરી છે.
પોસ્ટમેન ઘરે આવીને કરી આપશે કામ
EPFO એ આ નવી સુવિધા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત હવે પેન્શનરોને પોતાનું 'ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ' (DLC) જમા કરાવવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમારા વિસ્તારના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવશે અને આ કામ કરી આપશે. ખાસ વાત એ છે કે આ સુવિધાનો સૌથી મોટો લાભ એવા વૃદ્ધોને થશે જેમને ચાલવામાં તકલીફ છે અથવા જેમને સ્માર્ટફોન અને ટેકનોલોજી વાપરતા ફાવતું નથી.
સંપૂર્ણપણે મફત છે આ સુવિધા
સામાન્ય રીતે આવી સેવાઓ માટે ચાર્જ લેવામાં આવતો હોય છે, પરંતુ EPFO એ આ સેવા પેન્શનરો માટે બિલકુલ ફ્રી રાખી છે. પોસ્ટમેન જ્યારે ઘરે આવીને લાઈફ સર્ટિફિકેટ રજીસ્ટર કરશે, ત્યારે પેન્શનરે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. આ સેવાનો તમામ ખર્ચ EPFO પોતે ઉપાડશે. જોકે, આ પેમેન્ટ ત્યારે જ થશે જ્યારે લાઈફ સર્ટિફિકેટ સફળતાપૂર્વક જનરેટ થશે.
કેવી રીતે થાય છે પ્રોસેસ?
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એ આધાર કાર્ડ પર આધારિત બાયોમેટ્રિક સર્વિસ છે. તેમાં પેન્શનરે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સાબિત કરવાનું હોય છે કે તેઓ જીવિત છે. જેથી તેમનું પેન્શન અટક્યા વગર ચાલુ રહી શકે.
અહીં એક ખાસ નિયમ પણ જાણવા જેવો છે. અન્ય પેન્શન યોજનાઓ કરતા અલગ, EPS 95 ના પેન્શનરો ગમે ત્યારે પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. તમે જે તારીખે સર્ટિફિકેટ જમા કરો છો, તે તારીખથી આવતા 1 વર્ષ સુધી તે માન્ય ગણાય છે.
આ સુવિધાનો લાભ લેવા શું કરવું?
જો તમારે ઘરે બેઠા આ સેવાનો લાભ લેવો હોય, તો પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલા પેન્શનરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો સંપર્ક કરવો પડશે. તમે IPPBના કસ્ટમર કેર નંબર 033-22029000 પર કોલ કરીને ઘરે વિઝિટ માટે રિક્વેસ્ટ કરી શકો છો. ત્યારબાદ બેંકના કર્મચારી કે પોસ્ટમેન ચેક કરશે કે તમારું સર્ટિફિકેટ ડ્યુ છે કે નહીં. તમારો PPO નંબર અને આધાર કાર્ડની વિગતો મેચ કરવામાં આવશે. મુખ્યત્વે તમારા ચહેરાના સ્કેનિંગ દ્વારા સર્ટિફિકેટ બનાવવામાં આવશે, જરૂર પડે તો જ ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. આમ, હવે પેન્શન માટે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. બસ એક ફોન કોલ કરો અને ઘરે બેઠા કામ પૂરું કરો.