આ સારા સમાચાર ઉપરાંત, NPCI એ UPI પેમેન્ટની પ્રક્રિયાને વધુ ઝડપી પણ બનાવી છે.
UPI New Rule : યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતા કરોડો યુઝર્સ માટે એક મોટી અને રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) 15 જુલાઈથી એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ જો કોઈ UPI ટ્રાન્ઝેક્શન ફેઈલ થશે, તો યુઝરને તરત જ રિફંડ મળી જશે. આ માટે લાંબી રાહ જોવી પડશે નહીં.
નવો નિયમ શું છે?
વર્તમાન સિસ્ટમમાં, જ્યારે કોઈ UPI ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય છે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, ત્યારે રિફંડ મળવામાં સમય લાગે છે. જોકે, 15 જુલાઈ, 2025થી લાગુ થનાર નવા નિયમ મુજબ, જો તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હશે પરંતુ પેમેન્ટ સફળ નહીં થયું હોય, તો તે રકમ તરત જ તમારા ખાતામાં પાછી આવી જશે. આ ઉપરાંત, જો યુઝર દ્વારા ભૂલથી ખોટા UPI નંબર પર પૈસા મોકલી દેવામાં આવે, તો તે યુઝર પોતાની બેંક પાસેથી પૈસા પાછા મેળવવા માટે રિક્વેસ્ટ કરી શકશે. નવી ગાઈડલાઈન્સ હેઠળ, બેંકોને NPCIની પૂર્વ મંજૂરી વિના જ અમુક રિજેક્ટેડ ચાર્જબૅક ક્લેમ્સ જાતે જ સેટલ કરવાની સત્તા મળશે.
જૂના ક્લેમ્સનું નિરાકરણ સરળ બનશે
NPCI દ્વારા શરૂ કરવામાં આવી રહેલી આ નવી UPI ચાર્જબૅક સિસ્ટમ એવા ગ્રાહકોને પણ રાહત આપશે, જેમની રિફંડ રિક્વેસ્ટ અગાઉ રિજેક્ટ કરવામાં આવી હતી. નવા નિયમો બેંકોને એવી છૂટ આપે છે કે તેઓ જૂના રિજેક્ટેડ કેસોની ફરીથી તપાસ કરી શકે અને તેમનું નિરાકરણ લાવી શકે.
વર્તમાન સમસ્યા શું હતી?
હાલમાં જો કોઈ ખાતા અથવા UPI ID પેર માટે બેંકની ડિસ્પ્યુટ રિક્વેસ્ટ (ચાર્જબૅક) વારંવાર રિજેક્ટ થાય છે, તો NPCIની સિસ્ટમ આપમેળે "નેગેટિવ ચાર્જબૅક રેટ્સ" ટાંકીને વધુ પ્રયત્નોને બ્લોક કરી દે છે. આવા કેસમાં, જો બેંકોને ગ્રાહકનો કેસ વેલિડ લાગતો હોય, તો તેમને ડિસ્પ્યુટને "વ્હાઇટલિસ્ટ" કરવા માટે મેન્યુઅલી NPCIને અરજી કરવી પડતી હતી. આ એક સમય માંગી લેનારી પ્રક્રિયા હતી, જેના કારણે રિઝોલ્યુશનમાં વિલંબ થતો હતો. ચાર્જબૅકનો અર્થ છે કે જો તમે UPI દ્વારા પેમેન્ટ કર્યું હોય અને તે ફેઈલ થયું હોય કે ફ્રોડ થયું હોય, તો બેંક દ્વારા તમારા પૈસા પાછા અપાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
UPI પેમેન્ટ વધુ ઝડપી બન્યું
આ સારા સમાચાર ઉપરાંત, NPCI એ UPI પેમેન્ટની પ્રક્રિયાને વધુ ઝડપી પણ બનાવી છે. અગાઉ, UPI પેમેન્ટ 30 સેકન્ડમાં થતું હતું. જોકે, 16 જૂન, 2025થી લાગુ થયેલા નવા નિયમ મુજબ, હવે UPI ટ્રાન્ઝેક્શન 10-15 સેકન્ડની અંદર જ પૂર્ણ થઈ જશે. ગયા મહિને, NPCI એ બેંકો અને પેમેન્ટ એપ્સને પોતાની સિસ્ટમને અપગ્રેડ કરવા જણાવ્યું હતું, જેથી પેમેન્ટ ફક્ત 15 સેકન્ડમાં થઈ શકે. NPCI એ 26 એપ્રિલ, 2025ના રોજ જણાવ્યું હતું કે તેઓ પરફોર્મન્સ સુધારવા માટે UPI ટ્રાન્ઝેક્શનના રિસ્પોન્સ ટાઈમને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.