આ યોજનાનો મૂળ હેતુ જૂના કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા કેસોનો ઝડપી નિકાલ લાવવાનો અને નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.
ESIC Amnesty Scheme 2026: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા કંપનીઓ અને વીમાધારક વ્યક્તિઓ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. સરકારે જૂના પેન્ડિંગ કેસોના સેટલમેન્ટ માટે શરૂ કરાયેલી 'નવી માફી યોજના, 2026'ની મુદત વધુ 2 મહિના માટે લંબાવી દીધી છે. હવે આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર 2026 સુધી લઈ શકાશે. શ્રમ મંત્રાલયે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. વિવિધ પક્ષો દ્વારા મુદત વધારવા માટે વારંવાર માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ યોજના 1 ઓક્ટોબર 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી જ લાગુ હતી. પરંતુ હવે તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન યોજનાના જૂના નિયમો અને શરતો જ લાગુ રહેશે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
આ યોજનાનો મૂળ હેતુ જૂના કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા કેસોનો ઝડપી નિકાલ લાવવાનો અને નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્કીમ હેઠળ કંપનીઓને ESIC સાથે ચાલી રહેલા કાનૂની વિવાદોને કોર્ટની બહાર જ (Out-of-court settlement) પતાવવાની શાનદાર તક મળે છે.
કંપનીઓને કેવી રીતે મળશે રાહત?
દંડમાંથી મુક્તિ: જો કોઈ કંપની માત્ર મૂળ રકમ અને તેના પર લાગતું વ્યાજ ચૂકવી દે છે, તો તે વિવાદનો અંત લાવી શકે છે. આવા કિસ્સામાં કંપની પર કોઈ વધારાનો દંડ કે પેનલ્ટી લગાવવામાં આવશે નહીં.
માત્ર 10 ટકા દંડ સાથે કેસ પાછો ખેંચવાની સુવિધા: જે કંપનીઓએ અગાઉથી જ મૂળ રકમ ચૂકવી દીધી છે, પરંતુ દંડનો વિવાદ ચાલી રહ્યો છે, તેઓ માત્ર 10 ટકા દંડ ભરીને કોર્ટમાંથી પોતાનો કેસ પાછો ખેંચી શકે છે.
રેકોર્ડ જમા ન કરાવવા પરના કેસ: સમયસર રેકોર્ડ જમા ન કરાવવા કે પેમેન્ટમાં મોડું કરવા બદલ ESIC દ્વારા જે કેસ કરવામાં આવ્યા હોય, તેને પણ કોર્ટની મંજૂરીથી પાછા ખેંચી શકાશે. શરત માત્ર એટલી છે કે કંપનીએ પોતાની એ ખામીઓ કે ભૂલો પાછળથી સુધારી લીધી હોવી જોઈએ.
કયા કેસોને મળશે લાભ?
ખાસ ધ્યાન રહે કે, આ યોજના હેઠળ માત્ર એ જ કેસો માન્ય ગણાશે જે 31 માર્ચ 2026 સુધી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હોય. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયમર્યાદા વધવાથી પાત્ર કંપનીઓ અને વીમાધારક કર્મચારીઓને યોજનાનો લાભ લેવા માટે પૂરતો સમય મળી રહેશે. આ નિર્ણયથી વેપાર કરવામાં સરળતા વધશે, કોર્ટો પરથી કેસોનો બોજ ઘટશે અને સૌથી અગત્યનું, ESICના લાભાર્થીઓના હિતોનું રક્ષણ પણ સુનિશ્ચિત થશે.