Income Tax Rules: ITR-1 થી ITR-7માં મોટા ફેરફાર! સરકાર લાવ્યા નવા નિયમો, 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે આખી સિસ્ટમ | Moneycontrol Gujarati
Get App

Income Tax Rules: ITR-1 થી ITR-7માં મોટા ફેરફાર! સરકાર લાવ્યા નવા નિયમો, 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે આખી સિસ્ટમ

Income Tax Rules 2026: સરકારે નવા ઇન્કમ ટેક્સ રૂલ્સ, 2026 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 1 એપ્રિલ 2026 થી ITR-1 થી ITR-7 માં મોટા ફેરફારો થશે. હવે પેપર ફાઈલિંગ બંધ થશે અને ડિજિટલ રિટર્ન ફરજિયાત બનશે. જાણો તમારા માટે શું બદલાશે.

અપડેટેડ 07:07:48 PM Feb 12, 2026 પર
Story continues below Advertisement
સરકારે આ ડ્રાફ્ટ લોકોના અભિપ્રાય માટે જાહેર કર્યો છે. ટેક્સપેયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ 22 ફેબ્રુઆરી 2026 સુધી પોતાના સૂચનો આપી શકશે.

Income Tax Rules 2026: ભારતમાં ટેક્સ ભરનારાઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. દેશની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હવે એક મોટા બદલાવ તરફ આગળ વધી રહી છે. સરકાર 1 એપ્રિલ 2026 થી નવો 'ઇન્કમ ટેક્સ એક્ટ, 2025' લાગુ કરવા જઈ રહી છે. આ સાથે જ 60 વર્ષ જૂનો 1961 નો કાયદો ઇતિહાસ બની જશે. આ નવા કાયદાને અમલમાં મૂકવા માટે સરકારે 'ઇન્કમ ટેક્સ રૂલ્સ, 2026' નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જેમાં ITR ફોર્મ્સમાં મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.

સરકારે આ ડ્રાફ્ટ લોકોના અભિપ્રાય માટે જાહેર કર્યો છે. ટેક્સપેયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ 22 ફેબ્રુઆરી 2026 સુધી પોતાના સૂચનો આપી શકશે. ચાલો, સરળ ભાષામાં સમજીએ કે સામાન્ય માણસ માટે ITR-1 થી ITR-7 માં શું બદલાવ આવવાનો છે.

હવે ડિજિટલ ફાઈલિંગ જ એકમાત્ર રસ્તો

સૌથી મોટો ફેરફાર ફાઈલિંગની પદ્ધતિમાં છે. હવે પેપર ફોર્મ ભરીને જમા કરાવવાનો જમાનો ગયો. નવા નિયમો મુજબ, દરેક ટેક્સપેયરે ઓનલાઈન જ રિટર્ન ભરવું પડશે. આ માટે EVC અથવા ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરવો પડશે. માત્ર 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના 'સુપર સીનિયર સિટિઝન્સ' ને જ પેપર ફાઈલિંગની છૂટ આપવામાં આવશે.

ITR-1 (સહજ): હજુ પણ સૌથી સરળ


જે નોકરિયાત લોકો છે, જેમની આવક માત્ર સેલેરી, એક ઘર અને બેંક વ્યાજમાંથી આવે છે, તેમના માટે ITR-1 (સહજ) જ રહેશે. આ ફોર્મ પહેલાની જેમ સાદા કેસ માટે જ છે. જો તમારો કેસ થોડો પણ જટિલ બન્યો, તો તમારે બીજા ફોર્મ પર જવું પડશે.

ITR-2: જટિલ કેસો માટે હવે આ ડિફોલ્ટ વિકલ્પ

જો તમારી આવક બિઝનેસમાંથી નથી આવતી પરંતુ તમારી પાસે કેપિટલ ગેઈન્સ (શેરબજાર કે મિલકત વેચવાથી નફો), એકથી વધુ મકાન અથવા વિદેશમાં કોઈ સંપત્તિ છે, તો તમારે ITR-2 ભરવું પડશે. નવા નિયમોમાં વિદેશી સંપત્તિ અને કેપિટલ ગેઈન્સ પર સરકારની નજર કડક રહેશે, તેથી ITR-2 માં તમારે વધારે માહિતી આપવી પડશે. જેવો કોઈ વ્યક્તિ ITR-1 ની મર્યાદા બહાર જશે, તેને સીધું ITR-2 માં શિફ્ટ થવું પડશે.

ITR-3: બિઝનેસવાળા માટે વધારે ખુલાસા

જે લોકો બિઝનેસ કે પ્રોફેશનમાંથી કમાણી કરે છે, તેમના માટે ITR-3 રહેશે. પરંતુ, નવા નિયમો મુજબ તેમાં ડિસ્ક્લોઝર (માહિતી આપવી) વધશે. ખાસ કરીને પ્રોફેશનલ્સ, ટ્રેડર્સ અને વધુ આવક ધરાવતા લોકોએ પોતાની કમાણી અને ખર્ચના હિસાબો વધુ પારદર્શિતાથી આપવા પડશે.

ITR-4 (સુગમ): અહીં સૌથી વધારે કડકાઈ

નાના વેપારીઓ માટે સૌથી મોટો ઝટકો ITR-4 (સુગમ) માં છે. પહેલા આ ફોર્મ ભરવું બહુ સરળ હતું, પણ હવે તેના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. નીચે મુજબની વ્યક્તિઓ હવે ITR-4 નહીં ભરી શકે:

જેની પાસે વિદેશી સંપત્તિ કે વિદેશી આવક છે.

જે કોઈ કંપનીમાં ડાયરેક્ટર છે.

જેમણે અનલિસ્ટેડ શેર્સ (શેરબજારમાં લિસ્ટ ન હોય તેવા) રાખ્યા છે.

જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધારે છે.

જેમની પાસે બે થી વધારે મકાન છે.

જેમને જૂના નુકસાન (Losses) કેરી ફોરવર્ડ કરવાના છે.

જેમની ખેતીની આવક 5,000 રૂપિયાથી વધારે છે.

આનો અર્થ એ થયો કે ઘણા નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ, જે પહેલા સરળતાથી ITR-4 ભરતા હતા, તેમને હવે મજબૂરીમાં ITR-3 ભરવું પડશે, જે થોડું જટિલ છે.

ITR-5, 6 અને 7: ઓડિટ અને ટ્રસ્ટ પર નજર

ITR-5 અને ITR-6: કંપનીઓ અને પેઢીઓ માટેના આ ફોર્મ્સમાં માળખું તો એ જ રહેશે, પણ ડિજિટલ માહિતી અને ઓડિટ રિપોર્ટિંગ વધારે કડક કરવામાં આવશે.

ITR-7: ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંસ્થાઓ માટેના આ ફોર્મમાં પારદર્શિતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડોનેશન અને ફંડ ક્યાં વપરાયું તેનો પૂરેપૂરો હિસાબ આપવો પડશે. જો ગરબડ થઈ, તો ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કે ટેક્સમાં મળતી છૂટ રદ થઈ શકે છે.

સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - ટેક્સ સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક બનાવવી. 1 એપ્રિલ 2026 થી જ્યારે નવો કાયદો અમલમાં આવશે ત્યારે ITR ના નામ ભલે એ જ રહે, પણ ભરવાની રીત અને નિયમોમાં ધરખમ ફેરફાર થઈ ચૂક્યો હશે. જો તમે ટેક્સપેયર છો, તો આ ડ્રાફ્ટ પર નજર રાખવી જરૂરી છે કારણ કે આવનારો સમય સંપૂર્ણપણે ડેટા અને ડિજિટલ કમ્પ્લાયન્સનો હશે.

આ પણ વાંચો-Gold Price: સોનાના ભાવમાં ભડકો કેમ થયો? અમેરિકાએ ચીન પર ફોડ્યો દોષનો ટોપલો, જાણો શું છે આખો મામલો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 7:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.