Retail Inflation: મોંઘવારીએ તોડ્યો 8 મહિનાનો રેકોર્ડ, ડુંગળી-લસણથી લઈને સોના-ચાંદીએ વધારી સામાન્ય માણસની મુશ્કેલી | Moneycontrol Gujarati
Get App

Retail Inflation: મોંઘવારીએ તોડ્યો 8 મહિનાનો રેકોર્ડ, ડુંગળી-લસણથી લઈને સોના-ચાંદીએ વધારી સામાન્ય માણસની મુશ્કેલી

ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 4.82% પર પહોંચી ગયો છે, જે 8 મહિનાની સર્વોચ્ચ સપાટી છે. ડુંગળી, લસણ અને સોના-ચાંદીના ભાવ વધતા સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે.

અપડેટેડ 05:28:59 PM Sep 14, 2026 પર
Story continues below Advertisement
માત્ર જમવાની વસ્તુઓ જ નહીં, પરંતુ અન્ય સેવાઓ પણ મોંઘી થઈ છે. રેસ્ટોરન્ટ અને રહેવાની સેવાઓનો મોંઘવારી દર 8.38% રહ્યો.

Retail Inflation: સામાન્ય માણસ માટે એક માઠા સમાચાર છે. દેશમાં મોંઘવારી ફરી એકવાર માથું ઊંચકી રહી છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 4.82% પર પહોંચી ગયો છે. જુલાઈમાં આ આંકડો 4.45% હતો. ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થવાથી સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ વાત એ છે કે, આ મોંઘવારી દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 4% ના લક્ષ્યાંક કરતા પણ ઘણો ઉપર જતો રહ્યો છે.

સળંગ ત્રીજા મહિને RBIના ટાર્ગેટથી ઉપર

રિટેલ મોંઘવારી સળંગ ત્રીજા મહિને RBI ના 4% ના ટાર્ગેટ કરતા વધુ નોંધાઈ છે. મે મહિનામાં તે 3.93% હતી, જે જૂનમાં 4.38% અને જુલાઈમાં 4.45% થઈ હતી. હવે ઓગસ્ટનો 4.82% નો આંકડો નવી સિરીઝમાં છેલ્લા 8 મહિનાનો સૌથી ઊંચો સ્તર છે.

ખાદ્યપદાર્થોએ વધારી મુશ્કેલી

ઓગસ્ટમાં ખાવા-પીવાની વસ્તુઓ જુલાઈ કરતા વધુ મોંઘી થઈ છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફૂડ ઇન્ફ્લેશન 5.95% રહ્યું છે, જે જુલાઈમાં 5.52% હતું. જો વિસ્તાર મુજબ જોઈએ તો, ગ્રામીણ વિસ્તારોમાં ફૂડ ઇન્ફ્લેશન 6.13% અને શહેરોમાં 5.64% રહ્યું છે.


ડુંગળી, લસણ અને આદુના ભાવ આસમાને

શાકભાજી અને મસાલાના ભાવમાં થયેલા વધારાએ લોકોને સૌથી વધુ રડાવ્યા છે. ચાલો જોઈએ કઈ વસ્તુ કેટલી મોંઘી કે સસ્તી થઈ.

ડુંગળી: માત્ર એક વર્ષમાં ડુંગળીની કિંમતોમાં 48.27% નો તોતિંગ વધારો થયો છે. (જે જુલાઈમાં 22.54% હતો).

લસણ: આની મોંઘવારી 43.60% નોંધાઈ છે.

આદુ: આદુના ભાવમાં 73.82% નો મોટો ઉછાળો આવ્યો છે.

રાહત: જોકે, અમુક શાકભાજીએ રાહત આપી છે. ટામેટાના ભાવમાં વાર્ષિક ધોરણે 31.09% અને બટાકામાં 13.14% નો ઘટાડો જોવા મળ્યો છે.

શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારી વધુ

આંકડા દર્શાવે છે કે શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારીનો માર વધુ છે. ઓગસ્ટમાં ગ્રામીણ મોંઘવારી દર 5.23% રહ્યો, જે જુલાઈમાં 4.84% હતો. જ્યારે શહેરી મોંઘવારી દર 3.96% થી વધીને 4.31% થઈ ગયો છે.

સોના-ચાંદી અને સર્વિસ સેક્ટર પણ મોંઘુ

માત્ર જમવાની વસ્તુઓ જ નહીં, પરંતુ અન્ય સેવાઓ પણ મોંઘી થઈ છે. રેસ્ટોરન્ટ અને રહેવાની સેવાઓનો મોંઘવારી દર 8.38% રહ્યો. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 4.60% અને પર્સનલ કેર તથા અન્ય સામાજિક વસ્તુઓમાં મોંઘવારી 15.17% નોંધાઈ છે. આ સિવાય, કિંમતી ધાતુઓએ પણ કમર તોડી છે. ચાંદીની જ્વેલરીમાં 107.11% નો જંગી ઉછાળો અને સોના-હીરાની જ્વેલરીમાં 35.53% નો વધારો જોવા મળ્યો છે.

RBI માટે આ આંકડા કેમ મહત્વના છે?

ઓગસ્ટ મહિનાનો આ મોંઘવારી ડેટા RBI ની આગામી પોલિસી મીટિંગ પહેલાનો છેલ્લો ડેટા છે. મોનેટરી પોલિસી કમિટીની આગામી બેઠક 5 થી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. અગાઉ ઓગસ્ટની બેઠકમાં બેંકે રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો અને પોતાનો વલણ ન્યુટ્રલ રાખ્યો હતો. હવે મોંઘવારી અને આર્થિક ગ્રોથ બંને વધતા, RBI ની આગામી બેઠકમાં વ્યાજ દરો અંગે લેવાનારા નિર્ણયો પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો-સામાન્ય માણસને મોટો ઝટકો: ઓગસ્ટ 2026માં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 9.92% પર પહોંચ્યો, જાણો શું છે કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 14, 2026 5:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.