આ ભાવવધારો સામાન્ય લોકોના રસોડા સુધી નથી પહોંચ્યો. કિંમતમાં થયેલો આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે.
LPG cylinder price hike: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જનતા અને વેપારીઓ માટે મોંઘવારીના એક આંચકા સાથે થઈ છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભાવવધારો સામાન્ય લોકોના રસોડા સુધી નથી પહોંચ્યો. કિંમતમાં થયેલો આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 10.50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ લાગુ થયા બાદ કયા શહેરમાં શું છે કિંમત?
આજના લેટેસ્ટ અપડેટ મુજબ, દેશના મોટા મહાનગરોમાં કોમર્શિયલ ગેસના નવા રેટ નીચે મુજબ થઈ ગયા છે:
શહેર
19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ
અમદાવાદ
₹2,768.00
સુરત
₹2,701.00
રાજકોટ
₹2,728.00 થી ₹2,738.00ની આસપાસ
વડોદરા
₹2,797.50 થી ₹2,807.00 ની આસપાસ
દિલ્હી: 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત હવે 2747.50 રૂપિયા થઈ ગઈ છે.
મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં આ સિલિન્ડરનો નવો ભાવ 2701 રૂપિયા થઈ ગયો છે.
ચેન્નઈ: અહીં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2916.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નાના સિલિન્ડરમાં પણ વધારો: બજારમાં મળતા 5 કિલોના નોન-ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાં પણ 2 રૂપિયાનો વધારો કરાયો છે, જેનાથી તેનો નવો ભાવ 764 રૂપિયા થઈ ગયો છે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘુ થઈ શકે છે
કોમર્શિયલ LPG સિલિન્ડરનો સૌથી વધુ ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક જગ્યાઓ પર થાય છે. આ ભાવવધારાની સીધી અસર આવા વેપારીઓ પર પડશે. નોંધનીય છે કે, અગાઉ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વેપારીઓને મોટી રાહત મળી હતી. ઓગસ્ટમાં સિલિન્ડર દીઠ 209 રૂપિયા અને જુલાઈમાં 183.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં સતત 7 વખત ભાવ વધ્યા હતા, જેમાં માર્ચ મહિનામાં તો 2 વખત વધારો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ગ્લોબલ માર્કેટમાં સપ્લાય ચેઈન ખોરવાઈ હતી, જે આ વધારાનું મુખ્ય કારણ હતું.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં
સામાન્ય ગૃહિણીઓ માટે એક સારા સમાચાર છે. 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ, સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત અત્યારે દિલ્હીમાં 942 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 941 રૂપિયા, કોલકાતામાં 968 રૂપિયા અને ચેન્નઈમાં 957.50 રૂપિયા છે.