LIC Bima Sakhi Yojana: મહિલાઓ LICની બીમા સખી યોજનાને ખૂબ પસંદ કરી રહી છે. અત્યાર સુધીમાં 50 હજાર મહિલાઓએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ત્યારે છે જ્યારે યોજના શરૂ થયાને માત્ર એક મહિનો જ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બરે પાણીપતથી આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનામાં, 10મી પાસ મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા સુધીનો પગાર અને કમિશન મળે છે. બુધવારે LICએ કહ્યું કે આ સ્કીમ શરૂ થયા બાદથી એક મહિનામાં 52511 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. જેમાંથી 27695 વીમા સખીઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. 14583 વીમા સખીઓએ પોલિસીનું વેચાણ શરૂ કર્યું છે.
આ યોજના હેઠળ પ્રથમ વર્ષે 7,000 રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ માસનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ રીતે ત્રણ વર્ષમાં કુલ 2,16,000 રૂપિયા આપવામાં આવશે. આ સ્કીમમાં તમારે દર વર્ષે અમુક ચોક્કસ ટાર્ગેટ પૂરા કરવાના હોય છે.
18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની કોઈપણ 10મી પાસ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, તમે તમારી નજીકની શાખામાં જઈને માહિતી મેળવી શકો છો. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો.
આ યોજના માટે અરજી કરવા માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. દસ્તાવેજો તરીકે, પાસપોર્ટ સાઇઝના બે નવા ફોટોગ્રાફ્સ, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને 10મા પાસના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. તેમજ બેંક ખાતાની વિગતો પણ સબમિટ કરવાની રહેશે.
આ યોજના હેઠળ મહિલાઓને સરકારી નોકરી આપવામાં આવતી નથી. તેના બદલે તેમને LIC એજન્ટ બનવાની તાલીમ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે વ્યક્તિએ LICના એજન્ટ તરીકે કામ કરવું પડશે.