ઓનલાઈન હોટલ બુકિંગની સુવિધા સાથે જોખમો પણ જોડાયેલા છે. થોડી સાવધાની અને સાચી માહિતીનો ઉપયોગ કરીને તમે પોતાને અને તમારી ફાઈનાન્શિયલ ડિટેલ્સને સુરક્ષિત રાખી શકો છો. હંમેશા વેરિફાઈડ પ્લેટફોર્મનો ઉપયોગ કરો અને પર્સનલ ડિટેલ્સ શેર કરતા પહેલાં બે વાર વિચારો.
ઓનલાઈન હોટલ બુકિંગ કરતી વખતે જો કોઈ વેબસાઈટ અથવા એપ અસામાન્ય રીતે મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરે, તો તેની પાછળનું કૌભાંડ હોઈ શકે છે.
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન હોટલ બુકિંગ એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ સાથે સાથે ઓનલાઈન ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને હોટલ બુકિંગ સાથે જોડાયેલા કૌભાંડોએ લોકોને સાવધ રહેવા માટે મજબૂર કર્યા છે. એક નાની બેદરકારી તમારી મહેનતની કમાણીને જોખમમાં મૂકી શકે છે. આવી સ્થિતિમાં, હોટલ બુકિંગ કરતી વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમે કોઈના છેતરપિંડીના જાળમાં ન ફસાઈ જાઓ.
શક્ય હોય ત્યાં સુધી આધાર કાર્ડનો ઉપયોગ ટાળો
હોટલમાં ચેક-ઈન કરતી વખતે ઓળખ માટે ફોટો આઈડી આપવું ફરજિયાત હોય છે. જોકે, નિષ્ણાતોની સલાહ છે કે ઓરિજનલ આધાર કાર્ડ આપવાનું ટાળો. આધાર કાર્ડમાં તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે બેન્ક ખાતાની માહિતી અને મોબાઈલ નંબર જોડાયેલા હોય છે. જો આ ડિટેલ્સ ખોટા હાથમાં જાય, તો તેનો દુરુપયોગ થઈ શકે છે.
તેની જગ્યાએ તમે નીચેના ચાર વેલિડ દસ્તાવેજોનો ઉપયોગ કરી શકો છો:-
ડ્રાઈવિંગ લાયસન્સ
ચૂંટણી કાર્ડ (વોટર આઈડી)
પાસપોર્ટ
માસ્ક્ડ આધાર કાર્ડ (જેમાં માત્ર અંતના ચાર નંબર દેખાય અને બાકીની ડિટેલ્સ હાઈડ થયેલી હોય)
માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરવાથી તમારી સેન્સિટિવ ઈન્ફોર્મેશન સુરક્ષિત રહે છે અને ઓળખની જરૂરિયાત પણ પૂરી થાય છે.
ભારે ડિસ્કાઉન્ટની ઓફરથી સાવધાન
ઓનલાઈન હોટલ બુકિંગ કરતી વખતે જો કોઈ વેબસાઈટ અથવા એપ અસામાન્ય રીતે મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરે, તો તેની પાછળનું કૌભાંડ હોઈ શકે છે. ઘણી ફેક વેબસાઈટ્સ લોકોને સસ્તા રેટની લાલચ આપીને તેમની બેંક ડિટેલ્સ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી લે છે. તાજેતરના એક કેસમાં, આંદામાનની ટ્રીપ માટે હોટલ બુકિંગ કરનાર એક વ્યક્તિએ ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટની લાલચે 6.1 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આવી ઓફર્સ પર ભરોસો કરતા પહેલાં હંમેશા વેબસાઈટની વેરિફિકેશન કરો.
ટ્રસ્ટેડ પ્લેટફોર્મ પરથી જ બુકિંગ કરો
હોટલ બુકિંગ માટે હંમેશા જાણીતા અને વેરિફાઈડ પ્લેટફોર્મ જેવા કે MakeMyTrip, Goibibo, Booking.com કે Yatraનો ઉપયોગ કરો. અજાણી વેબસાઈટ્સ, ઈમેઈલમાં આવેલી લિંક્સ કે વોટ્સએપ મેસેજમાં મળેલી ઓફર્સ પર ક્લિક કરવું ટાળો. આવી લિંક્સ ઘણીવાર ફિશિંગ સ્કેમનો ભાગ હોય છે, જે તમારી ફાઈનાન્શિયલ ડિટેલ્સ ચોરી શકે છે.
સરકારી નિયમોનું પાલન કરો
ભારતમાં હોટલમાં રોકાવા માટે દરેક વ્યક્તિએ વેલિડ ફોટો આઈડી બતાવવું ફરજિયાત છે. આ ઉપરાંત, વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર, ઓળખના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ અથવા માસ્ક્ડ આધાર કાર્ડ બતાવી શકાય છે.
તમારી ડિટેલ્સને આ રીતે રાખો સુરક્ષિત
સુરક્ષિત વેબસાઈટ: બેંક કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ ફક્ત HTTPS પ્રોટોકોલવાળી વેરિફાઈડ વેબસાઈટ પર જ શેર કરો.
પબ્લિક Wi-Fi ટાળો: હોટલ બુકિંગ કરતી વખતે પબ્લિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ ન કરો, કારણ કે તે હેકર્સ માટે સરળ ટાર્ગેટ હોય છે.
અજાણ્યા મેસેજ પર ભરોસો નહીં: અજાણ્યા નંબરથી આવેલા કોલ્સ, ઈમેઈલ કે SMSમાં આવેલી ડિસ્કાઉન્ટ ઓફર્સથી દૂર રહો.
ટ્રાન્ઝેક્શન પર નજર: તમારા બેંક ટ્રાન્ઝેક્શન પર નજર રાખવા માટે મોબાઈલ એપ કે SMS એલર્ટનો ઉપયોગ કરો.