એક ક્લિક અને બેન્ક એકાઉન્ટ ખાલી! વીજળી, બેન્ક કે RTO ના નામે આવતી આ ‘APK’ ફાઈલ ભૂલથી પણ ઓપન ન કરતા
APK File Hacking: સાયબર ઠગોની નવી જાળ! વીજળી બિલ, KYC કે RTO ના નામે વોટ્સએપ પર આવતી APK ફાઈલ તમારો ફોન હેક કરી શકે છે. જાણો આ ખતરનાક સ્કેમ કેવી રીતે કામ કરે છે અને તેનાથી બચવા માટેના સરળ અને સચોટ ઉપાયો.
સાયબર ઠગોની નવી જાળ! વીજળી બિલ, KYC કે RTO ના નામે વોટ્સએપ પર આવતી APK ફાઈલ તમારો ફોન હેક કરી શકે છે.
APK File Hacking: ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં, જ્યાં જીવન સરળ બન્યું છે, ત્યાં ઓનલાઈન છેતરપિંડીનો ખતરો પણ અનેકગણો વધી ગયો છે. સાયબર અપરાધીઓ સામાન્ય માણસની મહેનતની કમાણી લૂંટવા માટે રોજ નવી-નવી તરકીબો શોધી રહ્યા છે. તાજેતરમાં, સાયબર નિષ્ણાતોએ એક અત્યંત ખતરનાક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જે ‘APK ફાઈલ હેકિંગ’ તરીકે ઓળખાય છે.
આ પદ્ધતિમાં, હેકર્સ વીજળી કંપની, બેન્ક અથવા RTO જેવી સરકારી સંસ્થાઓના નામે નકલી મેસેજ મોકલીને લોકોના સ્માર્ટફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી રહ્યા છે. આ ઠગો ખૂબ જ ચાલાકીપૂર્વક વોટ્સએપ પર સરકારી કે બેન્કિંગ સંસ્થાઓના લોગોવાળા પ્રોફાઈલ પિક્ચર (DP)નો ઉપયોગ કરે છે, જેથી કોઈને તેમના પર સહેજ પણ શંકા ન જાય. ત્યારબાદ તેઓ તમને ગભરાવી દે તેવા મેસેજ મોકલે છે, જેવા કે ‘તમારું વીજળીનું બિલ બાકી છે, આજે રાત્રે કનેક્શન કપાઈ જશે’ અથવા ‘તમારું KYC અપડેટ નથી, તેથી તમારું બેન્ક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે’ અથવા તો ‘તમારા વાહનનો મેમો ભરવાનો બાકી છે, આ લિંક પરથી તરત ચૂકવણી કરો.’
આ મેસેજની સાથે તેઓ એક ખાસ પ્રકારની એપ્લિકેશન ફાઈલ (.apk) મોકલે છે. સામાન્ય યુઝર ગભરાટમાં આવીને જેવી આ ફાઈલ પર ક્લિક કરે છે, કે તરત જ તેમના ફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સના હાથમાં જતો રહે છે. આ સ્કેમની સૌથી ભયંકર વાત એ છે કે, એકવાર તમારો ફોન હેક થઈ જાય, પછી હેકર્સ તમારા જ વોટ્સએપ નંબર પરથી તમારા બધા ગ્રુપ્સ અને કોન્ટેક્ટ્સને એ જ વાયરસવાળી APK ફાઈલ મોકલવાનું શરૂ કરી દે છે.
લોકો મિત્ર કે સંબંધીનો મેસેજ સમજીને તેના પર વિશ્વાસ કરી લે છે અને એ ફાઈલ ડાઉનલોડ કરી લે છે, જેના કારણે એક પછી એક અનેક લોકો આ છેતરપિંડીનો શિકાર બને છે. ફોનનો એક્સેસ મળ્યા પછી હેકર્સ ગણતરીની મિનિટોમાં તમારા ફોનમાં રહેલી બેન્કિંગ એપ્સ ખોલી શકે છે, તમારા મેસેજમાં આવતા OTP વાંચી શકે છે અને તમને ખબર પડે તે પહેલાં જ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. આ નાણાં તરત જ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ATM દ્વારા ઉપાડી લેવામાં આવે છે.
આવા ફ્રોડથી કેવી રીતે બચવુ?
આવા ફ્રોડથી બચવા માટે, સાયબર નિષ્ણાતો સ્પષ્ટપણે સલાહ આપે છે કે વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી આવેલી અજાણી APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. હંમેશા ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર જેવા સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમને બિલ ભરવા કે એકાઉન્ટ બ્લોક થવા જેવા કોઈ ડરામણા મેસેજ મળે, તો ગભરાયા વિના સીધા જે-તે વિભાગની કચેરીએ જઈને અથવા તેમની સત્તાવાર હેલ્પલાઈન પર ફોન કરીને પૂછપરછ કરો.
યાદ રાખો, તમારો OTP કે પિન કોઈની પણ સાથે શેર કરવો નહીં. જો તમે કમનસીબે આવી કોઈ છેતરપિંડીનો ભોગ બનો, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તરત જ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. તમારી એક નાની સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.