રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કો માટે ખાસ 100 દિવસ 100 પેમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ બેન્કોમાં દાવા વગરના નાણા એટલે કે દાવા વગરની ડિપોઝિટ એકત્રિત કરવા અને તેનો નિકાલ કરવા માટે આ કાર્યક્રમ ખાસ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે 12 મેના રોજ 100 દિવસ 100 ચુકવણી અભિયાનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, 100 દિવસમાં, ભારતના દરેક જિલ્લામાં દરેક બેન્કમાં જમા કરાયેલ 100 દાવા વગરની ડિપોઝિટને શોધીને તેનો નિકાલ કરવામાં આવશે.
સેન્ટ્રલાઇઝ વેબ પોર્ટલની રચના
અગાઉ, 6 એપ્રિલના રોજ, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે દાવો ન કરેલી ડિપોઝિટને ટ્રૅક કરવા માટે કેન્દ્રિય વેબ પોર્ટલ શરૂ કર્યું હતું. હાલમાં, 10 વર્ષથી વધુ જૂની અનક્લેઈમ ડિપોઝિટ શોધવા માટે ઘણી બેન્કોની વેબસાઇટ પર જવું પડે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરતા, શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈની આ પહેલ ડિપોઝિટદારોને તેમના બેન્કમાં જમા કરાયેલા નાણાં પાછા મેળવવામાં મદદ કરશે.
બેન્કોએ દાવા વગરની ડિપોઝિટમાં ઘટાડો
સરકાર તરફથી મળેલા ડેટા પરથી જાણવા મળે છે કે તાજેતરમાં બેન્કોમાં પડેલી અનક્લેઈમ ડિપોઝીટમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા સુધી તે રૂપિયા 48,262 કરોડના સ્તરે હતું, જે હવે ઘટીને રૂપિયા 35,012 કરોડ પર આવી ગયું છે.