Gold-Silver Price Today: એક જ દિવસમાં ચાંદી 8,900 સસ્તી થઈ, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો ખરીદી માટે કેવી છે તક?
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક જ દિવસમાં ચાંદી 8,900 સસ્તી થઈ અને સોનાના ભાવ પણ ગગડ્યા. શું આ ઘરેણાં ખરીદવાની સાચી તક છે? જાણો લેટેસ્ટ ભાવ અને નિષ્ણાતોની સલાહ.
ઓલ ઈન્ડિયા ઝવેરી એસોસિએશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ માંગમાં આવેલો ઘટાડો છે.
Gold-Silver Price Today: બુલિયન માર્કેટમાંથી ગ્રાહકો અને રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે. મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં 8,900 નો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ સસ્તું થયું છે. આવા સમયે ગ્રાહકોના મનમાં સવાલ ઉઠે છે કે શું ઘરેણાં ખરીદવાની આ સાચી તક છે કે પછી હજુ ભાવ ઘટશે? બજારની નજર હાલ અમેરિકાના મોંઘવારી ડેટા પર ટકેલી છે.
દિલ્હી ઝવેરી બજારના લેટેસ્ટ ભાવ
દિલ્હી સર્રાફા બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંનેની ચમક ફિક્કી પડી હતી. લેટેસ્ટ આંકડા મુજબ,,,24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 700 નો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાનો નવો ભાવ 1,46,300 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. અગાઉ સોમવારે આ ભાવ 1,47,000 હતો. ચાંદીના ભાવમાં સીધો 8,900 નો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા જે ચાંદી 2,35,000 પ્રતિ કિલોએ બંધ થઈ હતી, તે આજે ગગડીને 2,26,100 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
સ્થાનિક બજારમાં ભાવ કેમ ઘટ્યા?
ઓલ ઈન્ડિયા ઝવેરી એસોસિએશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ માંગમાં આવેલો ઘટાડો છે. જ્વેલર્સ અને ઔદ્યોગિક ખરીદદારો તરફથી માંગ નબળી રહેતા કિંમતો પર દબાણ વધ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ સાવ અલગ
જ્યાં ભારતીય બજારમાં ભાવ ઘટ્યા છે, ત્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ થોડી અલગ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડમાં સામાન્ય વધારો નોંધાયો છે અને તે 4,020.13 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતું જોવા મળ્યું. જ્યારે સ્પોટ સિલ્વર પણ લગભગ 1% વધીને 58.06 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.
નિષ્ણાતોની શું છે સલાહ?
HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીના મતે, સોમવારના કડાકા બાદ સોનાએ રિકવર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટકી શક્યો નહીં. કાચા તેલના ઊંચા ભાવ અને વધતી મોંઘવારીની ચિંતાએ બજારને પ્રભાવિત કર્યું છે. અમેરિકી સેન્ટ્રલ બેન્ક લાંબા સમય સુધી વ્યાજદરો ઊંચા રાખી શકે છે, જેથી સોના પર દબાણ છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ જતીન ત્રિવેદીનું કહેવું છે કે, મજબૂત અમેરિકન ડોલરના કારણે સોનામાં મોટી તેજીની શક્યતા હાલ પૂરતી મર્યાદિત છે. હવે આખી દુનિયાની નજર અમેરિકાના CPI ડેટા પર છે.
આગળ શું થશે?
જો અમેરિકામાં મોંઘવારીનો આંકડો અપેક્ષા કરતા વધારે આવશે, તો ફેડરલ રિઝર્વ કડક વલણ અપનાવશે, જેનાથી ડોલર વધુ મજબૂત થશે અને સોનાના ભાવ હજુ ઘટી શકે છે. પરંતુ જો મોંઘવારી કાબૂમાં જોવા મળશે, તો સોનાને મોટો સપોર્ટ મળશે અને ભાવ ફરી ઊંચકાઈ શકે છે. આ ડેટા આવતા પહેલા બજારમાં ભારે ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.