અનલિમિટેડ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા જઈ રહ્યા છો? પ્રીમિયમ, ક્લેમ અને છુપી શરતો વિશે આ લેટેસ્ટ માહિતી જરૂર જાણો
Unlimited Health Insurance: શું અનલિમિટેડ હેલ્થ ઇન્શ્યોરન્સમાં હોસ્પિટલનો બધો જ ખર્ચ કવર થાય છે? પોલિસી લેતા પહેલા પ્રીમિયમ, કો-પેમેન્ટ, વેઇટિંગ પિરિયડ અને સુપર ટોપ-અપ અંગેની તમામ લેટેસ્ટ માહિતી અહીં વાંચો.
અનલિમિટેડ વીમા રકમવાળી પોલિસીમાં ગ્રાહક એક કરતા વધુ વાર ક્લેમ કરી શકે છે અને તેમનું કવર ક્યારેય પૂરું થતું નથી. જોકે, બધી કંપનીઓના નિયમો સરખા હોતા નથી. કેટલીક પોલિસીમાં આ અનલિમિટેડ ફાયદો માત્ર 1 કે 2 ક્લેમ પૂરતો જ મર્યાદિત હોય છે.
Unlimited Health Insurance: આજના સમયમાં બીમારીઓ અને હોસ્પિટલના ખર્ચાઓ સતત વધી રહ્યા છે. ભારતમાં હાલમાં મેડિકલ મોંઘવારીનો દર અંદાજે 14 ટકા જેટલો છે. આવા સમયે સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૂરતો લાગતો નથી, જેથી લોકો હવે 'અનલિમિટેડ હેલ્થ ઇન્શ્યોરન્સ' તરફ વળી રહ્યા છે. પરંતુ, માત્ર અનલિમિટેડ શબ્દ જોઈને પોલિસી ખરીદી લેવી ભૂલ ભરેલું સાબિત થઈ શકે છે. તેમાં પણ અમુક છુપી શરતો હોય છે.
એક ઉદાહરણથી સમજીએ તો નોઈડામાં રહેતા 48 વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટને પણ આ જ સવાલ સતાવી રહ્યો છે. તેઓ પોતાના પરિવાર માટે અનલિમિટેડ કવર લેવા માંગે છે, પણ તેમને ડર છે કે મોટો ક્લેમ આવશે ત્યારે કંપની ખરેખર પૂરા પૈસા આપશે કે કેમ? હાલમાં જ મણિપાલસિગ્ના એ પોતાની 'ઇન્ફિનિક્સ' (Infinix) પોલિસી લોન્ચ કરી છે, જેનાથી આ માર્કેટમાં વધુ એક વિકલ્પ ઉમેરાયો છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ કવર ખરેખર કેવી રીતે કામ કરે છે અને લેટેસ્ટ નિયમો શું કહે છે.
અનલિમિટેડ કવરનો અર્થ શું છે?
પોલિસીબાઝારના હેલ્થ ઇન્શ્યોરન્સ હેડના જણાવ્યા અનુસાર, અનલિમિટેડ વીમા રકમવાળી પોલિસીમાં ગ્રાહક એક કરતા વધુ વાર ક્લેમ કરી શકે છે અને તેમનું કવર ક્યારેય પૂરું થતું નથી. જોકે, બધી કંપનીઓના નિયમો સરખા હોતા નથી. કેટલીક પોલિસીમાં આ અનલિમિટેડ ફાયદો માત્ર 1 કે 2 ક્લેમ પૂરતો જ મર્યાદિત હોય છે. તેથી તપાસવું જરૂરી છે કે દરેક ક્લેમ પર આ સુવિધા મળશે કે નહીં.
મોટા બિલમાં આ પોલિસી કેવી રીતે મદદરૂપ થાય છે?
અંગ પ્રત્યારોપણ (Transplant), મોટી સર્જરી કે લાંબા સમય સુધી ICUમાં રહેવાના કિસ્સામાં આ કવર સૌથી મોટો આર્થિક ટેકો આપે છે. નિવા બૂપાના મતે, પરિવારના એકથી વધુ સભ્યો બીમાર પડે ત્યારે આ પોલિસીમાં કવર પૂરું થઈ જવાની કોઈ ચિંતા રહેતી નથી અને ભવિષ્યમાં વીમાની રકમ વધારવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
સામાન્ય 'રિસ્ટોર' સુવિધા કરતા આ કઈ રીતે અલગ છે?
આજકાલ ઘણી પોલિસીમાં રિસ્ટોર સુવિધા આવે છે, જેમાં કવર પૂરું થઈ જાય તો કંપની ફરીથી બેઝ કવર જેટલી રકમ જમા કરી દે છે. પણ તેમાં એક શરત હોય છે. દાખલા તરીકે જો તમારી 10 લાખની પોલિસી છે અને એકસાથે 15 લાખનું બિલ આવે, તો રિસ્ટોર સુવિધા હોવા છતાં કંપની એક બિલ માટે માત્ર 10 લાખ જ આપશે, બાકીના 5 લાખ તમારે ખિસ્સામાંથી કાઢવા પડશે. જ્યારે, અનલિમિટેડ કવરમાં જો શરતોનું પાલન થતું હોય, તો એક જ વારમાં પૂરા 15 લાખ રૂપિયાનો ક્લેમ પણ પાસ થઈ શકે છે.
તો પછી કયા ખર્ચાઓ કવર નથી થતા?
સ્ટેવેલના કો-ફાઉન્ડર અરુણ રામમૂર્તિ ચેતવણી આપે છે કે અનલિમિટેડનો મતલબ એવો નથી કે હોસ્પિટલનું બધું જ બિલ કંપની ચૂકવશે. નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખો:
વેઇટિંગ પિરિયડ: જૂની બીમારીઓ માટે 3 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
કો-પેમેન્ટ: કેટલીક પોલિસીમાં બિલનો અમુક ટકા હિસ્સો ગ્રાહકે જાતે ચૂકવવો પડે છે.
રૂમ રેન્ટ લિમિટ: હોસ્પિટલના રૂમના ભાડા પર લિમિટ હોઈ શકે છે.
કન્ઝ્યુમેબલ્સ: ઓપરેશનમાં વપરાતા ગ્લોવ્ઝ, રૂ કે અન્ય સામગ્રીનો ખર્ચ અને OPDનો ખર્ચ કવર ન પણ થાય.
પ્રીમિયમ કેટલું ભરવું પડે?
સામાન્ય રીતે 1 કરોડ રૂપિયાની પોલિસી જેટલું જ અથવા તેનાથી થોડું વધારે પ્રીમિયમ આમાં ભરવું પડે છે. અમદાવાદમાં રહેતા 35 વર્ષના યુવાન માટે તેનું પ્રીમિયમ વાર્ષિક 12000થી 15000 રૂપિયા હોઈ શકે છે. જ્યારે 65 વર્ષના વડીલ માટે આ પ્રીમિયમ 55000થી 60000 રૂપિયા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે ભવિષ્યમાં મોંઘવારી વધતા કંપનીઓ આ પ્રીમિયમમાં મોટો વધારો કરી શકે છે, જે એક મોટું જોખમ છે.
આ પોલિસી કોના માટે ફાયદાકારક છે?
જે લોકો મોટો પરિવાર ધરાવે છે અને હોસ્પિટલના અણધાર્યા ખર્ચથી સંપૂર્ણ સુરક્ષા ઈચ્છે છે, તેમના માટે આ સારો વિકલ્પ છે. પરંતુ મેટ્રો સિટીમાં રહેતા યુવાન અને સ્વસ્થ વ્યક્તિ માટે 10થી 15 લાખનું કવર પણ પૂરતું થઈ શકે છે.
શું આનાથી કોઈ સસ્તો વિકલ્પ છે?
હા, મોંઘી અનલિમિટેડ પોલિસી લેવા કરતા તમે સુપર ટોપ-અપનો સહારો લઈ શકો છો. તમે 20 લાખ રૂપિયાની બેઝ પોલિસી લો અને તેની ઉપર 5 કરોડ રૂપિયાનું સુપર ટોપ-અપ લો. જેમાં તમે 20 લાખ રૂપિયાનું ડિડક્ટિબલ રાખી શકો છો. આ કોમ્બિનેશન અનલિમિટેડ પોલિસી કરતા ઘણું સસ્તું અને પાવરફુલ સાબિત થાય છે.
કોઈપણ નવી હેલ્થ પોલિસી લેતા પહેલા તેના દસ્તાવેજો (Policy wording) ધ્યાનથી વાંચો. કંપની એક બીમારી માટે વારંવાર આવતા ક્લેમને કઈ રીતે ગણે છે, રૂમનું ભાડું કેટલું મળશે અને છુપી શરતો શું છે, તે જાણીને જ નિર્ણય લેવો.