ઇન્ટરનેટ કે સ્માર્ટફોન વગર પણ થશે UPI પેમેન્ટ, PhonePeએ લોન્ચ કરી નવી સુવિધા, Nokiaના ફોનમાં મળશે લાભ
હવે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પણ UPI પેમેન્ટ કરવું શક્ય છે. PhonePe એ ફીચર ફોન યુઝર્સ માટે ખાસ 'UPI 123Pay' લોન્ચ કર્યું છે. જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા.
PhonePe દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, આ સર્વિસ ખાસ કરીને ભારતના ફીચર ફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. દેશમાં હાલમાં આશરે 20 કરોડ લોકો ફીચર ફોન વાપરે છે, જેમને આનો સીધો લાભ મળશે.
ડિજિટલ પેમેન્ટના આજના જમાનામાં અત્યાર સુધી ઓનલાઇન પૈસા મોકલવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ હોવું ખૂબ જ જરૂરી મનાતું હતું. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. જો તમારી પાસે સાદો કીપેડ વાળો ફોન છે અને તેમાં ઇન્ટરનેટ નથી, તો પણ તમે આસાનીથી UPI નો ઉપયોગ કરી શકશો.
પ્રખ્યાત પેમેન્ટ એપ PhonePe એ ફીચર ફોન વાપરતા યુઝર્સ માટે એક જોરદાર સુવિધા લોન્ચ કરી છે. જેનું નામ 'UPI 123Pay' રાખવામાં આવ્યું છે. આ નવી સર્વિસની મદદથી હવે લાખો લોકો કોઈપણ જાતના ઇન્ટરનેટ કનેક્શન વિના પણ સરળતાથી ડિજિટલ લેવડદેવડ કરી શકશે.
20 કરોડ લોકોને થશે સીધો ફાયદો
PhonePe દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, આ સર્વિસ ખાસ કરીને ભારતના ફીચર ફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. દેશમાં હાલમાં આશરે 20 કરોડ લોકો ફીચર ફોન વાપરે છે, જેમને આનો સીધો લાભ મળશે. શરૂઆતના તબક્કે આ ઑફલાઇન સુવિધા માત્ર Nokia અને HMD બ્રાન્ડના ફીચર ફોનમાં જ આપવામાં આવી રહી છે. જોકે, ટૂંક સમયમાં જ અન્ય કંપનીઓના ફોનમાં પણ આ સર્વિસ શરૂ કરવામાં આવશે.
કેવી રીતે કામ કરે છે UPI 123Pay?
જો તમને થતું હોય કે ઇન્ટરનેટ વગર પેમેન્ટ કેવી રીતે થશે, તો જણાવી દઈએ કે આખી સિસ્ટમ SMS પર આધારિત છે.આમાં તમારા બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબર પરથી SMS દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે.
આના દ્વારા તમે કોઈ વ્યક્તિને કે કોઈ દુકાનદારને આસાનીથી પૈસા મોકલી શકો છો. ઉપરાંત, બેંક બેલેન્સ ચેક કરવું અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવી પણ શક્ય છે. કંપની આવનારા સમયમાં આના દ્વારા મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને આધાર કાર્ડ આધારિત UPI રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવા જઈ રહી છે.
કયા મોડલ્સમાં મળશે આ સુવિધા?
Nokia ના ફોન બનાવતી કંપની HMD Global એ પુષ્ટિ કરી છે કે હાલમાં આ સુવિધા નીચે દર્શાવેલા મોડલ્સમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.
HMD 105 2G અને HMD 110 2G
Nokia 105 Classic, Nokia 105 Single SIM, Nokia 105 Dual SIM
Nokia 106 અને Nokia 123 Shield
12 ભાષાઓમાં મળશે AI હેલ્પલાઈન સપોર્ટ
સાદા ફોન વાપરતા લોકોને UPI સેટઅપ કરવામાં કોઈ તકલીફ ન પડે તેની પણ કંપનીએ પૂરી તકેદારી રાખી છે. PhonePe દ્વારા ખાસ AI બેઝ્ડ વોઇસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન અંગ્રેજી સહિત ભારતની 12 અલગ-અલગ ભાષાઓમાં સપોર્ટ આપે છે, જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાના ફોનમાં આ સર્વિસ સરળતાથી એક્ટિવેટ કરી શકે.
UPI ની 10 વર્ષની સફર
નોંધનીય છે કે, 25 ઓગસ્ટ 2016 ના રોજ શરૂ થયેલ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને તાજેતરમાં જ 10 વર્ષ પૂરા થયા છે. નાની લારી પર થોડા રૂપિયા ચૂકવવાથી લઈને લાખો રૂપિયાના મોટા વેપાર સુધી, UPI એ લોકોની લેવડદેવડની રીત બદલી નાખી છે. હવે PhonePe ની આ નવી ઑફલાઇન સુવિધાથી ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટ વધુ ઝડપથી પહોંચશે.