UPI નો નવો રેકોર્ડ: ભારતીયોએ કર્યું રુપિયા 230 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન, દુનિયાના 8 દેશોમાં વાગી રહ્યો છે ડંકો!
ભારતમાં UPI ટ્રાન્ઝેક્શનનો નવો ઈતિહાસ! સરકારે સંસદમાં જણાવ્યું કે, રુપિયા 230 લાખ કરોડના વ્યવહારો થયા છે. હવે ભારત સિવાય 8 દેશોમાં પણ UPI ચાલે છે. જાણો કયા દેશોમાં અને શું છે ખાસ અહેવાલ.
UPI માત્ર ભારત પૂરતું સીમિત રહ્યું નથી, હવે તે વિદેશમાં પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં ભારત સિવાય દુનિયાના 8 દેશોમાં UPI નો ઉપયોગ થઈ રહ્યો છે.
UPI Transaction Record: ભારત ડિજિટલ પેમેન્ટની દુનિયામાં સતત નવા શિખરો સર કરી રહ્યું છે. આજે શાકભાજી લેવાથી માંડીને મોટા શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ લોકો રોકડને બદલે મોબાઈલ કાઢીને સ્કેન કરવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ભારતીયોએ UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ના ઉપયોગમાં એક નવો જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. સરકારે મંગળવારે સંસદમાં ખુશખબર આપતા જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીયોએ UPI દ્વારા અધધધ... 230 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ કરી છે.
UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડબ્રેક ઉછાળો
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા સવાલોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્રત્યે લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં ડિસેમ્બર મહિના સુધીમાં જ UPI દ્વારા કુલ 230 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થઈ ચૂક્યા છે.
આ આંકડો કેટલો મોટો છે તે સમજવા માટે આપણે પાછલા વર્ષો પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23 માં આ આંકડો માત્ર 139 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે ખૂબ જ ટૂંકા ગાળામાં UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે.
ભારતની બહાર 8 દેશોમાં UPI નો ડંકો
UPI માત્ર ભારત પૂરતું સીમિત રહ્યું નથી, હવે તે વિદેશમાં પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં ભારત સિવાય દુનિયાના 8 દેશોમાં UPI નો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીં કરન્સી કન્વર્ઝન (ચલણ રૂપાંતર) ની સુવિધા સાથે પેમેન્ટ થાય છે, જે તે દેશના કાયદાઓને અનુરૂપ છે.
આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હાલમાં નીચે મુજબના 8 દેશોમાં UPI કાર્યરત છે:
ભૂતાન (Bhutan)
ફ્રાન્સ (France)
મોરેશિયસ (Mauritius)
નેપાળ (Nepal)
કતાર (Qatar)
સિંગાપોર (Singapore)
શ્રીલંકા (Sri Lanka)
યુએઈ (UAE)
વિદેશ પ્રવાસ અને પેમેન્ટ્સ બન્યા સરળ
સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) સાથે મળીને UPI ને ગ્લોબલ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેઓ અલગ-અલગ દેશોની 'ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ' સાથે UPI ને જોડી રહ્યા છે. આનાથી બે મોટા ફાયદા થઈ રહ્યા છે:
રેમિટન્સ: વિદેશથી ભારતમાં પૈસા મોકલવા (P2P) સરળ બન્યા છે.
પ્રવાસ: જ્યારે ભારતીયો વિદેશ પ્રવાસમાં જાય છે ત્યારે શોપિંગ કે પેમેન્ટ માટે વેપારીઓને (P2M) સરળતાથી ચૂકવણી કરી શકે છે.
દુનિયાની સૌથી મોટી પેમેન્ટ સિસ્ટમ
UPI ની સફળતાની નોંધ હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ લઈ રહી છે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના જૂન 2025 ના રિપોર્ટમાં UPI ને ટ્રાન્ઝેક્શનની દ્રષ્ટિએ 'દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ' ગણાવવામાં આવી છે.
ACI Worldwide ના 2024 ના રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં થતા રિયલ-ટાઈમ રિટેલ પેમેન્ટ્સમાં એકલા UPI નો હિસ્સો લગભગ 49% છે. આ આંકડો સાબિત કરે છે કે ભારતનું UPI મોડેલ આજે આખી દુનિયામાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે રાજ કરી રહ્યું છે.