Smartphone Price Hike: સ્માર્ટફોન અને લેપટોપ કેમ મોંઘા થઈ રહ્યા છે? જાણો AI ની ભૂખ અને તમારા ખિસ્સા પર પડતો બોજ
Smartphone Price Hike: શું તમે નોંધ્યું છે કે મોબાઈલ અને લેપટોપના ભાવ અચાનક વધી ગયા છે? આ પાછળ કંપનીઓની નફાખોરી નહીં પણ AI જવાબદાર છે. જાણો કેવી રીતે મેમરી ચિપની અછત તમારા બજેટને અસર કરી રહી છે.
Smartphone Price Hike: શું તમે નોંધ્યું છે કે મોબાઈલ અને લેપટોપના ભાવ અચાનક વધી ગયા છે?
Smartphone Price Hike: જો તમે હાલમાં બજારમાં નવો સ્માર્ટફોન કે લેપટોપ ખરીદવા ગયા હોવ, તો તમને એક વાત ચોક્કસ ધ્યાને આવી હશે કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પહેલા કરતાં ઘણા મોંઘા થઈ ગયા છે. ઘણા લોકોને એમ લાગે છે કે આ કંપનીઓની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે અથવા તો સામાન્ય મોંઘવારી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ટેક ઈન્ડસ્ટ્રીમાં આ ભાવ વધારા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે Artificial Intelligence (AI) એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા.
AIની રેમ અને સ્ટોરેજ માટેની જબરદસ્ત માંગ
આજકાલ દરેક જગ્યાએ AI ની ચર્ચા છે, પરંતુ આ ટેકનોલોજી સસ્તી નથી. AI સિસ્ટમ્સને ચલાવવા માટે પુષ્કળ પ્રમાણમાં RAM અને સ્ટોરેજની જરૂર પડે છે. એટલું જ નહીં, AI પ્રોસેસિંગ માટે વીજળી અને પાણીનો વપરાશ પણ ખૂબ મોટા પાયે થાય છે. એક રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં જેટલી પાણીની બોટલો છે તેના કરતાં પણ વધુ પાણીનો ઉપયોગ AI સર્વર્સને ઠંડા રાખવા માટે થઈ રહ્યો છે.
આ ભારે વપરાશની સીધી અસર ટેક ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેન પર પડી છે. પરિણામે, કંપનીઓ જે નવા મોબાઈલ લોન્ચ કરે છે તેની કિંમત ધીમે-ધીમે વધી રહી છે. ઘણીવાર એવું બને છે કે જે કિંમતમાં પહેલા વધુ રેમ મળતી હતી, હવે તેટલી જ કિંમતમાં ઓછી રેમ મળે છે અથવા તે જ રેમ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. સેમસંગ જેવી મોટી કંપનીઓ પણ આ સ્થિતિને કારણે પોતાના ભાવમાં ફેરફાર કરી રહી છે.
સપ્લાય ચેનમાં આવી રહી છે મોટી મુશ્કેલી
AIનો વ્યાપ વધવાને કારણે દુનિયાભરમાં મેમરી ચિપ અને રેમની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. ચેટબોટ, ફોટો જનરેશન ટૂલ્સ અને ડેટા એનાલિસિસ માટે પાવરફુલ સર્વર્સની જરૂર પડે છે, જેમાં હાઈ-પર્ફોર્મન્સ રેમ વપરાય છે. આ રેમ હવે ટેક કંપનીઓ માટે સોના જેટલી કિંમતી થઈ ગઈ છે.
અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે રેમ બનાવતી ફેક્ટરીઓ હવે સામાન્ય ગ્રાહકો મોબાઈલ-લેપટોપ યુઝર્સ માટે રેમ બનાવવાને બદલે મોટી ડેટા સેન્ટર કંપનીઓને રેમ વેચવાનું વધુ પસંદ કરે છે. તેનું કારણ સીધું છે – ડેટા સેન્ટર્સ પાસેથી તેમને મોટા ઓર્ડર મળે છે અને તેમાં નફો પણ વધુ થાય છે. આ કારણે મોબાઈલ અને લેપટોપ બનાવતી કંપનીઓ માટે રેમની અછત ઊભી થઈ છે અને તેમને જે માલ મળે છે તે મોંઘા ભાવે મળે છે.
ગ્રાહકો પર આની શું અસર પડી રહી છે?
જ્યારે સ્માર્ટફોન કે લેપટોપ બનાવતી કંપનીઓને જ કાચો માલ (રેમ અને સ્ટોરેજ) મોંઘો પડે, ત્યારે તે સ્વાભાવિક રીતે પ્રોડક્ટની કિંમત વધારી દે છે. કેટલીક કંપનીઓ જુના સ્ટોકનો ઉપયોગ કરી રહી છે, પણ તે પૂરો થતાં ભાવ વધારો નિશ્ચિત છે. મિડ-રેન્જ મોબાઈલના ભાવમાં છેલ્લા થોડા મહિનામા વધારો જોવા મળ્યો છે. લેપટોપ માર્કેટમાં પણ કંપનીઓ હવે એવી પ્રોડક્ટ્સ વેચી રહી છે જેમાં ગ્રાહકે રેમ અલગથી નંખાવવી પડે છે, જેથી લેપટોપની મૂળ કિંમત ઓછી દેખાય. વાસ્તવમાં આ સપ્લાયની અછતનું પરિણામ છે.
ક્રિપ્ટોકરન્સી વખતે પણ આવું જ થયું હતું
તમને યાદ હશે કે જ્યારે બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ હતો ત્યારે ગ્રાફિક્સ કાર્ડની અછત સર્જાઈ હતી. ભારતમાં પણ માઈનિંગ માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. જોકે, તે સમયે કોવિડને કારણે ફેક્ટરીઓ બંધ હતી અને ટ્રાન્સપોર્ટની સમસ્યા હતી. અત્યારે સ્થિતિ અલગ છે. અત્યારે ફેક્ટરીઓ ચાલુ છે, પણ તેમનું ફોકસ બદલાઈ ગયું છે. AI માટે બનતી મેમરી વધુ એડવાન્સ હોય છે અને તેના કોન્ટ્રાક્ટ લાંબા ચાલે છે, તેથી ઉત્પાદકો ત્યાં વધુ ધ્યાન આપી રહ્યા છે અને સામાન્ય માણસ માટેની રેમ મોંઘી થઈ રહી છે.
ભાવ ઘટવાની કોઈ શક્યતા છે?
નિષ્ણાતોનું માનવું છે કે રેમ અને મોબાઈલની કિંમતોમાં હાલ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આ સમસ્યા માત્ર 2026 સુધી સીમિત નથી. જેમ-જેમ AI મોડલ વધુ એડવાન્સ અને મોટા બનશે, તેમ-તેમ વધુ શક્તિશાળી મેમરીની જરૂર પડશે. એટલે કે મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ મોંઘા થતા રહેશે તેવો અંદાજ છે.
કંપનીઓની નવી ચાલ: AI ફીચર્સના નામે ભાવ વધારો
આ મોંઘવારીને વ્યાજબી ઠેરવવા માટે મોબાઈલ કંપનીઓ એક નવી રમત રમી રહી છે. કિંમતમાં થયેલા વધારાને છુપાવવા માટે તેઓ ફોનમાં નવા 'AI ફીચર્સ' આપી રહી છે. ગ્રાહકને એમ લાગે છે કે તે સ્માર્ટ ફીચર્સ માટે પૈસા આપી રહ્યો છે, પરંતુ હકીકતમાં તે મોંઘી થયેલી રેમ અને સ્ટોરેજનો ખર્ચ ભોગવી રહ્યો છે. આખી ટેક ઈન્ડસ્ટ્રી હવે પ્રોડક્ટ પહેલાં નહીં, પણ AI ની જરૂરિયાત પહેલાં નક્કી કરે છે અને તે મુજબ સાધનો બનાવે છે.
ટૂંકમાં કહીએ તો, જો આવનારા સમયમાં AI ની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે સંતુલન નહીં સધાય, તો સસ્તા સ્માર્ટફોન ખરીદવા મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા માટે માત્ર બ્રાન્ડને દોષ આપવો યોગ્ય નથી, કારણ કે અસલી કારણ AI ની 'ભૂખ' અને સપ્લાય ચેનની સમસ્યા છે.