CIBIL સ્કોર 750 હોવા છતાં બેંક કેમ રિજેક્ટ કરે છે તમારી લોન? જાણો આ 5 મોટા કારણો અને ઉકેલ | Moneycontrol Gujarati
Get App

CIBIL સ્કોર 750 હોવા છતાં બેંક કેમ રિજેક્ટ કરે છે તમારી લોન? જાણો આ 5 મોટા કારણો અને ઉકેલ

શું તમારો CIBIL સ્કોર 750 થી વધુ હોવા છતાં લોન રિજેક્ટ થઈ ગઈ છે? આવક કરતા વધુ EMI, ક્રેડિટ કાર્ડનો વધુ વપરાશ સહિતના આ 5 મુખ્ય કારણો વિશે જાણો અને તમારી ભૂલો સુધારો.

અપડેટેડ 06:18:23 PM Oct 04, 2026 પર
Story continues below Advertisement
નવી લોન લેતા પહેલા તમારા જૂના નાના દેવા પૂરા કરી દો, જેથી તમારી નવી લોન સરળતાથી પાસ થઈ શકે.

CIBIL score : તમારો CIBIL સ્કોર 750 છે. તમે તમારી જૂની લોનના હપ્તા સમયસર ચૂકવ્યા છે અને ક્રેડિટ કાર્ડનું બિલ પણ ક્યારેય બાકી રાખ્યું નથી. આમ છતાં, જ્યારે તમે બેંકમાં નવી લોન લેવા જાવ છો, ત્યારે બેંક તમને લોન આપવાની ના પાડી દે છે! આવું સાંભળીને નવાઈ લાગે, પરંતુ આવું ખરેખર બને છે.

લેટેસ્ટ બેન્કિંગ નિયમો મુજબ, બેંક માત્ર તમારો CIBIL સ્કોર જોઈને જ લોન નથી આપતી, પરંતુ તે તમારી આખી આર્થિક સ્થિતિ અને પૈસા ચૂકવવાની ક્ષમતા ચકાસે છે. ચાલો જાણીએ એવા 5 મોટા કારણો વિશે, જેના લીધે સારો ક્રેડિટ સ્કોર હોવા છતાં તમારી લોન રિજેક્ટ થઈ શકે છે.

1. કમાણી કરતા વધુ EMIનો બોજ


ધારો કે તમારી મહિનાની સેલરી 60,000 રૂપિયા છે અને તેમાંથી 35,000 રૂપિયા તો તમારી જૂની લોનના EMI માં જ જતા રહે છે. હવે જો તમે નવી લોન માંગશો, તો 780 CIBIL સ્કોર હોવા છતાં બેંક તમારી અરજી ફગાવી દેશે. બેંક એ જુએ છે કે નવો હપ્તો ઉમેરાયા પછી તમારી પાસે ઘરખર્ચ માટે પૂરતા પૈસા વધશે કે નહીં.

ઉકેલ: નવી લોન લેતા પહેલા તમારા જૂના નાના દેવા પૂરા કરી દો, જેથી તમારી નવી લોન સરળતાથી પાસ થઈ શકે.

2. ક્ષમતા કરતા વધુ મોટી લોન માંગવી

ઘણીવાર સમસ્યા તમારા સ્કોરમાં નહીં, પણ તમે માંગેલી લોનની રકમમાં હોય છે. દાખલા તરીકે, તમારી સેલરી 70,000 રૂપિયા છે અને તમે સીધી 30 લાખ રૂપિયાની પર્સનલ લોન માટે અરજી કરી દો છો. બેંકને લાગશે કે આટલી મોટી રકમનો EMI ચૂકવવો તમારી આવક પ્રમાણે મુશ્કેલ છે.

ઉકેલ: તમારે જેટલી ખરેખર જરૂર હોય તેટલી જ લોન માટે અરજી કરો. નાની રકમની લોન જલ્દી મંજૂર થઈ જાય છે.

3. ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ

તમે ક્રેડિટ કાર્ડનું બિલ ભલે સમયસર ભરતા હોવ, પણ બેંક એ પણ જુએ છે કે તમે કાર્ડની કેટલી લિમિટ વાપરો છો. ઉદાહરણ તરીકે, જો તમારા કાર્ડની લિમિટ 2 લાખ રૂપિયા છે અને તમે દર મહિને 1.5 લાખ રૂપિયા વાપરી નાખો છો, તો બેંક એવું માની લેશે કે તમે લોન પર વધુ પડતા નિર્ભર છો.

ઉકેલ: હંમેશા તમારા ક્રેડિટ કાર્ડની લિમિટના માત્ર 30% થી ઓછો જ ખર્ચ કરવાની આદત પાડો.

4. એકસાથે અનેક બેંકોમાં લોન માટે અરજી કરવી

એક જગ્યાએથી લોન રિજેક્ટ થાય એટલે લોકો તરત બીજી અને પછી ત્રીજી બેંકમાં અરજી કરી દે છે. આ એક બહુ મોટી ભૂલ છે. તમે જેટલી વાર અરજી કરો છો, તેટલી વાર બેંક તમારો CIBIL રિપોર્ટ ચેક કરે છે, જેને 'હાર્ડ ઇન્ક્વાયરી' કહેવાય છે. તેનાથી તમારો સ્કોર પણ ઘટે છે અને બેંકને એવું લાગે છે કે તમને પૈસાની સખત ભૂખ છે.

ઉકેલ: પહેલા અલગ-અલગ બેંકોના વ્યાજ દર અને નિયમો ઓનલાઈન ચેક કરી લો, અને જ્યાં તમે લાયક હોવ ત્યાં જ એકમાત્ર અરજી કરો.

5. CIBIL રિપોર્ટમાં રહેલી ભૂલો

એવું પણ બની શકે કે તમારો સ્કોર સારો હોય, પરંતુ રિપોર્ટમાં કોઈ ખોટી માહિતી અપડેટ થઈ હોય. જેમ કે, કોઈ જૂની લોન તમે પૂરી કરી દીધી હોય પણ તે હજુ રિપોર્ટમાં ચાલુ દેખાતી હોય, અથવા એવી કોઈ લોન દેખાતી હોય જે તમે લીધી જ ના હોય.

ઉકેલ: લોન માટે અરજી કરતા પહેલા જાતે જ તમારો CIBIL રિપોર્ટ ડાઉનલોડ કરીને ચેક કરી લો. જો કોઈ ભૂલ દેખાય તો તરત જ CIBIL ની વેબસાઈટ પર જઈને કમ્પ્લેન નોંધાવો.

આ પણ વાંચો-એપ્રિલ-સપ્ટેમ્બરમાં UPI ટ્રાન્ઝેક્શન 27% વધ્યા, 177 લાખ કરોડને પાર, જાણો 15 ઓક્ટોબરથી લાગુ થતા નવા નિયમો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 04, 2026 6:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.