યુવાનો નાની ઉંમરે ફસાઇ રહ્યાં છે દેવાના દળદળમાં, 25-28 વર્ષની ઉંમરે જ લઈ રહ્યા છે લોન
અભ્યાસ દર્શાવે છે કે, અગાઉ લોકો ઘર માટે લોન લેવાનું વૃદ્ધાવસ્થામાં કરતા હતા, પરંતુ હવે યુવાનો નાની ઉંમરે જ આ પગલું ભરી રહ્યા છે. 1970ના દાયકામાં જન્મેલા લોકો માટે હોમ લોન લેવાની સરેરાશ ઉંમર 41 વર્ષ હતી, જે હવે 1990ના દાયકામાં જન્મેલા યુવાનો માટે ઘટીને 28 વર્ષ થઈ ગઈ છે.
આજના યુવાનોમાં લોન લેવા માટેનો ખચકાટ ઘટ્યો છે, જેનું મુખ્ય કારણ ડિજિટલ પ્લેટફોર્મ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનની સરળ ઉપલબ્ધતા છે.
ભારતમાં યુવાનોમાં દેવું લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આજના યુવાનો મોબાઈલ ફોન ખરીદવાથી લઈને પોતાના શોખ પૂરા કરવા માટે લોન લેવામાં સંકોચ નથી કરતા. આની અસર એ થઈ છે કે દેવું લેવાની સરેરાશ ઉંમરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અહેવાલ મુજબ, દેવું લેનારાઓની સરેરાશ ઉંમરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં અગાઉ લોકો સરેરાશ 47 વર્ષની ઉંમરે દેવું લેતા હતા, ત્યાં હવે 25થી 28 વર્ષની ઉંમરે જ યુવાનો લોન લેવાનું શરૂ કરી દે છે.
પહેલાની પેઢીઓની તુલનામાં દેવાની શરૂઆત નાની ઉંમરે
અહેવાલ અનુસાર, 1960ના દાયકામાં જન્મેલા લોકો સરેરાશ 47 વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ દેવું લેતા હતા. જ્યારે 1990ના દાયકામાં જન્મેલા યુવાનો 25થી 28 વર્ષની ઉંમરે જ દેવું લેવાનું શરૂ કરી દે છે. આ દર્શાવે છે કે લોન મેળવવી હવે પહેલાં કરતાં ઘણી સરળ બની ગઈ છે અને ગ્રાહકોની માનસિકતામાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. અગાઉની પેઢીઓ સામાન્ય રીતે હોમ લોન અથવા કાર લોન જેવા સુરક્ષિત દેવાથી શરૂઆત કરતી હતી, જ્યારે 1990ના દાયકામાં જન્મેલા યુવાનો 25થી 28 વર્ષની ઉંમરે ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને ટકાઉ ઉપભોક્તા ચીજવસ્તુઓ (જેમ કે ઈલેક્ટ્રોનિક્સ) માટે અસુરક્ષિત લોન લઈ રહ્યા છે.
હોમ લોન અને બિઝનેસ લોનની સરેરાશ ઉંમરમાં પણ ઘટાડો
અભ્યાસ દર્શાવે છે કે અગાઉ લોકો ઘર માટે લોન લેવાનું વૃદ્ધાવસ્થામાં કરતા હતા, પરંતુ હવે યુવાનો નાની ઉંમરે જ આ પગલું ભરી રહ્યા છે. 1970ના દાયકામાં જન્મેલા લોકો માટે હોમ લોન લેવાની સરેરાશ ઉંમર 41 વર્ષ હતી, જે હવે 1990ના દાયકામાં જન્મેલા યુવાનો માટે ઘટીને 28 વર્ષ થઈ ગઈ છે. આ ઉપરાંત, વ્યવસાય માટે પ્રથમ લોન લેવાની સરેરાશ ઉંમર પણ 42 વર્ષથી ઘટીને 27 વર્ષ થઈ ગઈ છે. આ ભારતમાં ઉદ્યમશીલતાની વધતી ભાવના અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે લોનની સરળ ઉપલબ્ધતાને દર્શાવે છે.
બદલાતી માનસિકતા અને લોનની સરળ ઉપલબ્ધતા
આજના યુવાનોમાં લોન લેવા માટેનો ખચકાટ ઘટ્યો છે, જેનું મુખ્ય કારણ ડિજિટલ પ્લેટફોર્મ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનની સરળ ઉપલબ્ધતા છે. ખાસ કરીને અસુરક્ષિત લોન જેવા કે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનની માંગમાં ઝડપથી વધારો થયો છે. આ ઉપરાંત, યુવાનોમાં ઉદ્યમશીલતાની ભાવના અને નાના-મોટા વ્યવસાયો શરૂ કરવાની ઈચ્છાએ પણ બિઝનેસ લોનની માંગને વેગ આપ્યો છે.
શું છે ચિંતાનો વિષય?
જોકે, નાની ઉંમરે દેવું લેવાનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય પણ બની રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે યુવાનોમાં નાણાકીય શિસ્તનો અભાવ અને અસુરક્ષિત લોનનો વધુ પડતો ઉપયોગ ભવિષ્યમાં દેવાના દળદળમાં ફસાવી શકે છે. આ માટે નાણાકીય જાગૃતિ અને બજેટિંગની આદતો વિકસાવવી જરૂરી છે.